વેસ્ટ ઇન્ડીઝ ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં માન્ચેસ્ટર ખાતે 287 રનમાં ઓલઆઉટ થયું છે. ઇંગ્લેન્ડને ફર્સ્ટ ઇનિંગ્સમાં 182 રનની લીડ મળી છે. એસ બ્રુક્સે પણ પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા 68 રનની મહત્ત્વની ઇનિંગ્સ રમી હતી. ટેસ્ટ કરિયરની 8મી ઇનિંગ્સમાં તેની બીજી ફિફટી અને ત્રીજો 50+ સ્કોર હતો. તેણે 137 બોલની ઇનિંગ્સ દરમિયાન 11 ફોર મારી હતી.રોસ્ટન ચેઝે ફિફટી ફટકારી મહેમાન ટીમ પરથી ફોલોઓનનો ખતરો હટાવ્યો હતો. તેણે 85 બોલમાં 11 ફોરની મદદથી 51 રન કર્યા હતા. આ તેના કરિયરની આઠમી ફિફટી હતી. 

શાઇ હોપનું ખરાબ ફોર્મ જારી રહ્યું છે. તે 25 રને સેમ કરનની બોલિંગમાં કીપર બટલરના હાથે કેચ આઉટ થયો હતો. તે પહેલાં અલ્ઝારી જોસેફ 32 રને ડોમ બેસની બોલિંગમાં શોર્ટ લેગ પર ઓલી પૉપના હાથે કેચ આઉટ થયો હતો. ઇંગ્લેન્ડના ઓપનર ડોમ સિબલેએ ભૂલથી બોલ પર થૂંકનો ઉપયોગ કર્યો હતો. તેણે આ અંગે અમ્પાયરને જાણ કરી હતી. તે બાદ અમ્પાયર્સે બોલને સેનિટાઇઝ કર્યો હતો. બે વોર્નિંગ પછી પણ થૂંકના ઉપયોગ પર ટીમને 5 રનની પેનલ્ટી મળે છે.