કોચ્ચિ 

ભારતના અંડર-19 ટીમ (India Under-19)અને રણજી ટ્રોફીના પૂર્વ ખેલાડી એમ.સુરેશ કુમારનું મોત થયું છે. કહેવામાં આવે છે કે તેમણે આત્મહત્યા કરી છે. પોલીસના મતે તેમની લાશ શુક્રવારે સાંજે બેડરુમમાં લટકતી મળી આવી હતી. પોલીસને તેમના મોતની જાણકારી તેમના પુત્રએ આપી હતી. 2005માં તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે ભારતની અંડર-19 ટીમના ભાગ હતા. 

અલ્લાપુઝાના રહેવાસી સુરેશ કુમા હાલના દિવસોમાં રેલવેમાં કામ કરતા હતા. પોલીસે કહ્યું હતું કે તેમના પુત્રએ સાંજે 7 ને 15 મિનિટે અમને જાણકારી આપી હતી કે તેમના પિતાની લાશ લટકી રહી છે. શરૂઆતી તપાસમાં એમ લાગી રહ્યું છે કે આ આત્મહત્યા છે પણ અમે લોકો હાલ આ મામલે તપાસ કરી રહ્યા છીએ. 

72 ફર્સ્ટ ક્લાસ મેચ રમનાર લેફ્ટ આર્મ સ્પિનર સુરેશ કુમારે 196 વિકેટ ઝડપી છે. જ્યારે 1657 રન બનાવ્યા છે. કેરલ માટે તેઓ 52 મેચ રમ્યા છે. જ્યારે રેલવે તરફથી 17 મેચોમાં ભાગ લીધો હતો. આ સિવાય દિલીપ ટ્રોફીમાં તે સેન્ટ્રલ અને સાઉથ ઝોન તરફથી રમી ચૂક્યા હતા. 1990માં અંડર-19 ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવ્યું હતું. સુરેશ કુમાર 1990-91માં અંડર-19 ટીમનો ભાગ હતા. તે સમયે રાહુલ દ્રવિડ ટીમના કેપ્ટન હતા. સુરેશે અંડર-19 ટીમની મેચ ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. તે સમયે ન્યૂઝીલેન્ડની ટીમમાં સ્ટિફન ફ્લેમિંગ અને ડિયોન નેશ જેવા મોટા સ્ટાર ખેલાડી હતા.