લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ઓગ્સ્ટ 2026 |
2772
સુરતના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિગ્રી કે લાઇસન્સ વગર એલોપેથી દવાઓથી દર્દીઓની સારવાર કરતા ચાર બોગસ ડોક્ટરોને ઝોન-૧ એલસીબી અને પુણા પોલીસની ટીમે ઝડપી પાડ્યા છે. માત્ર ધોરણ ૧૦, ૧૧ અને ૧૨ સુધીનો અભ્યાસ કરેલા આ શખ્સો છેલ્લા કેટલાક વર્ષોથી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ચારેય પાસેથી મેડિકલ સામાન અને દવાઓનો કુલ રૂ.૪,૯૦,૯૮૧નો મુદ્દામાલ કબજે કર્યો છે. જાેકે મહત્વની વાત એ છે કે આ ચાર બોગસ પૈકી બે ડોક્ટર ભૂતકાળમાં પણ પોલીસના હાથે પકડાઈ ચુક્યા છે છતાં પણ ક્લિનિક ચલાવતા હતા.
પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ, પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરોને શોધી કાઢવા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ઝોન-૧ એલસીબીના અ.હે.કો. હરીસિંહ ભગવાનભાઈ અને અ.હે.કો. આનંદભાઈ રાજેન્દ્રભાઈને મળેલી બાતમીના આધારે પુણા-ઉમરવાડા વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે રાજીવનગર ઝૂંપડપટ્ટીના પ્લોટ નં.૨૨૬માંથી સમરબહાદુર ભિન્ગુ પાલ (ઉં.વ.૫૪), આશાનગર ઝૂંપડપટ્ટીના પ્લોટ નં.૧૩૪ ખાતે આવેલા સંજીવ ચિકિત્સાલયમાંથી તેજબહાદુર મીર્જારામભાઈ નિશાદ (ઉં.વ.૫૩), રાજીવનગરના પ્લોટ નં.૬૩૧માંથી પ્રશાંતભાઈ પ્રોમથનભાઈ માલાકર (ઉં.વ.૩૭) અને પ્લોટ નં.૭૭માંથી સુબલ સુનિલ ગાચ્છી (ઉં.વ.૪૨)ને ઝડપી પાડ્યા હતા. ચારેય આરોપીઓ પાસે તબીબી વ્યવસાય માટે જરૂરી કોઈ માન્ય ડિગ્રી કે લાઇસન્સ ન હોવા છતાં તેઓ દવાખાનાં ચલાવી દર્દીઓને એલોપેથી દવાઓ આપતા અને સારવાર કરતા હતા. આ રીતે બેદરકારીપૂર્વક સારવાર કરવાથી દર્દીઓના જીવન અને શારીરિક સલામતી સામે જાેખમ ઊભું થવાની શક્યતા હોવા છતાં આરોપીઓ પ્રેક્ટિસ કરતા હોવાનું પોલીસે જણાવ્યું છે. આ મામલે પુણા પોલીસે ચારેય સામે બી.એન.એસ. કલમ ૧૨૫ તથા ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ ૩૦ મુજબ ગુનો નોંધાયો છે.