નવી સિવિલનાં નિવાસી તબીબનાં આપઘાત કેસમાં ચાર સીનિયર તબીબ સસ્પેન્ડ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, ઓગ્સ્ટ 2026  |   693

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાનાં આપઘાત કેસમાં એન્ટી રેગિંગ કમિટીનાં અહેવાલ અને ઉચ્ચસ્તરીય તપાસ પછી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ સત્તાધીશો કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરી છે. ચાર રેસિડેન્ટ ડોક્ટરોને છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે ચાર ફેકલ્ટી સભ્યોને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.

રાજ્ય સરકારનાં કડક નિર્દેશો તથા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાનાં માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલનાં ડીન અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તરીય કમિટીએ સમગ્ર ઘટનાની તપાસ કરી હતી. પ્રથમ વર્ષનાં નવ રેસિડેન્ટ ડોક્ટરો તેમજ મૃતકનાં પિતાની રજૂઆતના આધારે નિવેદનો નોંધવામાં આવ્યા હતા.

રાત્રે ૮:૩૦ વાગ્યાથી વહેલી સવારે ૪:૦૦ વાગ્યા સુધી ચાલેલી મેરેથોન તપાસ દરમિયાન માઇક્રોબાયોલોજી વિભાગનાં સીનિયર રેસિડેન્ટ, ફેકલ્ટી સભ્યો, ટેકનિશિયન અને સફાઈકર્મીઓનાં નિવેદનો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ એન્ટી રેગિંગ સ્ક્વોડે પોતાનો અહેવાલ એન્ટી રેગિંગ કમિટીને સુપરત કર્યો હતો. જેમાં ત્રણ મહિલા સીનિયર તબીબે મૃતક ડોક્ટરને ગાળો આપી રેગિંગ કર્યું હોવાનું સામે આવ્યું હતું.

કમિટીનાં અહેવાલને આધારે શિસ્તભંગ અને ગંભીર બેદરકારી બદલ ડો. નિરાલી વસાવે, ડો. અનુજ મહેશ્વરી, ડો. દીક્ષિતા ઘેવરિયા અને ડો. હિના ભુતને છ માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમને તાત્કાલિક હોસ્ટેલ ખાલી કરવાનો તેમજ સસ્પેન્શન દરમિયાન કોઈપણ શૈક્ષણિક પ્રવૃત્તિમાં ભાગ ન લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડો. સુમૈયા મુલ્લા સહિત ડો. સંગીતા રાજદે, ડો. યોગિતા મિસ્ત્રી અને ડો. લતિકા પુરોહિતને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. એન્ટી રેગિંગ કમિટીના સમગ્ર અહેવાલને કોલેજ કાઉન્સિલે સર્વાનુમતે મંજૂરી આપી છે. ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે જરૂરી સુધારાત્મક પગલાં અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ વહેલી સવારે સમગ્ર અહેવાલ રાજ્ય સરકારને સત્તાવાર રીતે મોકલી આપવામાં આવ્યો હતો.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે,ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રચાયેલી તપાસ કમિટીએ રાત્રે ૯.૩૦ વાગ્યાથી સવાર સુધી સતત કામગીરી કરી પ્રથમ વર્ષના ૮૦થી વધુ જુનિયર ડોક્ટરોના નિવેદન નોંધ્યા હતા.જાેકે મૃતક ડોક્ટર પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી પરંતુ તેમની સાથે અભ્યાસ કરતા સહઅધ્યાયીઓના નિવેદનો પરથી સ્પષ્ટ થયું છે કે,સીનિયર ડોક્ટરો દ્વારા તેમને અવારનવાર માનસિક ટોર્ચરિંગ અને હેરાનગતિ કરવામાં આવતી હતી. એન્ટી રેગિંગ કમિટીના પ્રાથમિક અહેવાલના આધારે માનસિક ત્રાસ આપવા માટે સીધા જવાબદાર એવા ૦૪ સીનિયર ડોક્ટરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

રાત્રે ૮.૩૦થી પરોઢે ૪ વાગ્યા સુધીની મેરેથોન તપાસ બાદ ત્વરિત કાર્યવાહી કરવામાં આવી

ડો. હર્ષ પંડ્યા આપઘાતની ઘટનામાં પિતાની ફરિયાદનાં આધારે રેગિંગ અંગે તપાસ શરૂ કરાઈ હતી. હોસ્પિટલના ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટ અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચસ્તરીય કમિટી સમક્ષ પ્રથમ વર્ષના ૯ રેસિડેન્ટ ડોક્ટર્સ અને તેના પરિવારજનોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. રાત્રે ૮.૩૦થી સવારના ૦૪.૦૦ વાગ્યા સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં માઈક્રોબાયોલોજી વિભાગના સીનિયર રેસિડેન્ટ, ફેકલ્ટી, ટેકનિશિયન તથા સફાઈકર્મીઓના નિવેદનો નોંધી એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા રિપોર્ટ એન્ટી રેગિંગ કમિટીને સુપરત કરાયો હતો.

તપાસમાં સામે આવેલા ચોંકાવનારા મુદ્દા

ફેકલ્ટી નીકળી જાય પછી રોજ જુનિયર રેસિડેન્ટની અલગ બેઠક બોલાવી ઠપકો આપવામાં આવતો હતો. પ્રથમ વર્ષના ૯ રેસિડેન્ટના નિવેદનમાં ‘ઈગો ન રાખો, બધું કામ છોડીને તરત આવો’ જેવી ધમકી મળતી હોવાનું સામે આવ્યું. આપઘાતના બે દિવસ પહેલાં મૃતક ડૉક્ટરને લગભગ બે કલાક રૂમમાં બંધ રાખી મૌખિક રીતે અપમાનિત કરવામાં આવ્યા હતા. તપાસમાં ડૉ. દીક્ષિતા દ્વારા સૌથી વધુ માનસિક ત્રાસ અપાતો હોવાનું અનેક નિવેદનોમાં નોંધાયું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution