લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, ઓગ્સ્ટ 2026 |
5049
નડિયાદના મિશન રોડ વિસ્તારમાં રહેતા એક ખાનગી કંપનીના કર્મચારી સાથે સાયબર ઠગાઈની ઘટના સામે આવી છે. શેરબજારમાં રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી ઠગોએ તેમની સાથે ૧૩,૪૦,૦૦૦ ની છેતરપિંડી આચરી છે. સ્ટોક માર્કેટ એડવાઇઝર તરીકેની ઓળખ આપી જાણીતી કંપનીના નામે બોગસ ડીમેટ એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. ત્યારબાદ વિવિધ બેંક ખાતાઓમાં ઓનલાઇન રકમ મેળવી લેવામાં આવી હતી. આ મામલે ખેડા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. પીડિત પોતાના ઘરેથી શેરબજારની પ્રવૃત્તિઓ કરતા હતા. કેટલાક મહિનાઓ પહેલા તેમના વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાનું નામ રાહુલ અને વતન પાલનપુર હોવાનું જણાવ્યું હતું. તેણે સ્ટોક માર્કેટ એડવાઇઝર તરીકે ઓળખ આપી ૨૦ થી ૩૦ ટકાના નફાની ખાતરી આપી હતી. ત્યારબાદ અન્ય વોટ્સએપ નંબર પરથી સંપર્ક કરીને કુવરજી એન્ડ ગ્રુપમાં એકાઉન્ટ ખોલવાની વાત કરવામાં આવી હતી. આ માટે આધાર કાર્ડ અને પાન કાર્ડ મેળવીને કુવરજી એન્ડ ગ્રુપના નામે બ્રોકરેજ એકાઉન્ટ ખોલ્યું હોવાનું કહી કેવાયસી ફાઇલની ૫ીડીએફ મોકલાઈ હતી. જાેકે, તેનો આઈડી અને પાસવર્ડ આપવામાં આવ્યો ન હતો. સ્ટોકની ખરીદી અને માર્જિન પેટે અલગ-અલગ બેંક ખાતાઓની વિગતો પૂરી પાડવામાં આવી હતી. તહોમતદારોએ વિવિધ કંપનીના શેર ખરીદ્યા હોવાના ખોટા સ્ક્રીનશોટ મોકલીને સારો નફો થઈ રહ્યો હોવાનું બતાવતા હતા. દર શનિવારે પેમેન્ટ મળી જશે તેવી ખાતરી આપવા છતાં બાદમાં વધુ માર્જિન મની જમા કરાવવા દબાણ કરાતું હતું.
શંકા જતા ફરિયાદીએ અમદાવાદ સ્થિત કંપનીની ઓફિસે સંપર્ક કરતા આવું કોઈ ડીમેટ એકાઉન્ટ ન હોવાનું ખુલ્યું હતું. છેતરપિંડીનો અહેસાસ થતાં તેમણે તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ સંદર્ભે ખેડા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ત્રણ વોટ્સએપ નંબરના વપરાશકર્તાઓ તેમજ સંબંધિત બેંક એકાઉન્ટ ધારકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાયબર સેલે વિગતો એકત્ર કરી આગળની તપાસ હાથ ધરી છે.