અમદાવાદ એરપોર્ટ પરથી દંપતી સહિત ચાર પેસેન્જર પાસેથી દાણચોરીનું ૪૯.૨૩ લાખનું સોનું ઝડપાયું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, ઓગ્સ્ટ 2026  |   3663

અમદાવાદ કસ્ટમ્સના અધિકારીઓએ એક જ દિવસમાં શારજાહ, અબુધાબી અને કુવૈતથી આવેલી ત્રણ મહિલા પેસેન્જર સહિત એક દંપતીને સોનાના દાગીનાની દાણચોરી કરતા ઝડપી લીધા છે. ચારેય પેસેન્જર પાસેથી કુલ ૨૪૦.૯૦ ગ્રામ સોનાના દાગીના મળી આવ્યા છે, જેની કિંમત ૪૯.૨૩ લાખ થાય છે. કસ્ટમ્સના સૂત્રોના જણાવ્યા મુજબ, અબુધાબીથી ઇતિહાદ એરલાઇન્સની ફ્લાઇટમાં અમદાવાદ આવેલી એક મહિલા પેસેન્જરની તપાસ દરમિયાન બે ગોલ્ડ ચેન મળી આવી હતી. તેનું વજન ૧૦૦.૬૦ ગ્રામ અને અંદાજિત માર્કેટ વેલ્યૂ ૧૬.૭૨ લાખ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત કુવૈતથી કુવૈત એરલાઇન્સની ફ્લાઇટમાં અમદાવાદ આવેલી અન્ય એક મહિલા પેસેન્જરની તપાસ કરવામાં આવતા તેના ગળામાં પહેરેલી સોનાની ચેન મળી આવી હતી. તેનું વજન ૫૯.૪૦૦ ગ્રામ અને તે ૨૨ કેરેટની હોવાનું સામે આવ્યું છે. તેની માર્કેટ વેલ્યૂ આશરે ૯.૯૦ લાખ હોવાનું જાણવા મળ્યું છે.

મોડી રાત્રે એર અરેબિયાની ફ્લાઇટમાં શારજાહથી અમદાવાદ આવેલા એક દંપતી પર કસ્ટમ્સ અધિકારીઓને શંકા જતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. દંપતીએ પોતાની પાસે સોનું નહીં હોવાનું જણાવ્યું હતું. જાેકે, અધિકારીઓને શંકા જતા તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી, જેમાં બે ગોલ્ડ ચેન મળી આવી હતી.

તેનું વજન ૧૪૦.૩૦ ગ્રામ અને સોનું ૨૪ કેરેટનું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, તેની અંદાજિત કિંમત ૨૩.૪૧ લાખ છે.આમ, કસ્ટમ્સ વિભાગે એક જ દિવસમાં ચાર પેસેન્જર પાસેથી કુલ ૨૪૦.૯૦ ગ્રામ સોનાના દાગીના જપ્ત કર્યા છે, જેની કુલ માર્કેટ વેલ્યૂ ૪૯.૨૩ લાખ થાય છે.

સોનાના ભાવ વધતા સોનાની દાણચોરીમાં નફાનું માર્જિન વધ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર મહિલા પેસેન્જરો દ્વારા કસ્ટમ ડ્યૂટીની ચોરીના પ્રયાસના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ગત અઠવાડિયે પણ એક દંપતી પાસેથી આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી સોનાના દાગીના મળી આવ્યા હતા. જ્યારે બે દિવસ અગાઉ ભાવનગરની એક ડોક્ટર યુવતી પણ સોનાની દાણચોરી કરતા કસ્ટમ્સના હાથે ઝડપાઈ હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution