લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, ઓગ્સ્ટ 2026 |
3168
માતર પંથકમાં સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેતરમાં ઉભો પાક નષ્ટ થવાની અણી પર છે. ત્યારે, ખેડૂતોના પાકને બચાવવા માટે કડાણા ડેમમાંથી તાત્કાલિક ધોરણે ૬ હજાર ક્યુસેક પાણી છોડવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર ખેડા જિલ્લામાં વરસાદ ખેંચાતા કેનાલો સુકીભઠ્ઠ થઈ ગઈ છે. ત્યારે, સિંચાઈનું પાણી ન મળવાથી ખેતરોમાં લહેરાતો ઉભો પાક નષ્ટ થવાની અણી ઉપર આવી ગયો છે. જેને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યાં હતાં. આ અંગે અનેકોવારની રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કેનાલોમાં પાણી છોડવામાં આવતું ન હતું. જેથી માતર પંથકના ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. રોષે ભરાયેલાં ખેડૂતોએ મંગળવારના રોજ સિંચાઈ વિભાગ તેમજ કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને જાે પાણી નહીં મળે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ખેડૂતોનો રોષ જાેઈ જિલ્લાના ધારાસભ્યોએ ગાંધીનગર ખાતે મંત્રીને રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં લઈ કડાણા ડેમમાંથી તાત્કાલિક ધોરણે ૬ હજાર ક્યુસેક પાણી છોડવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ડેમમાંથી છોડવામાં આવેલું પાણી ગુરુવારે સવારે દશેક વાગ્યાના અરસામાં માતર પંથકના ખેતરો સુધી પહોંચી જવાની શક્યતાઓ છે. જેને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી હોવાનું જાણવા મળેલ છે.