લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, ઓગ્સ્ટ 2026 |
2475
જાે તમને કોઈ એમ કહે કે તમારા ઘર કે ગામનું ગાયનું છાણ અને કચરો તમને કરોડપતિ બનાવી શકે છે, તો તમને કદાચ મજાક લાગશે, પરંતુ આ વાત હવે સો ટકા સાચી સાબિત થવા જઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દેશના ઊર્જા ક્ષેત્ર અને ગ્રામીણ અર્થતંત્રને પલટી નાખનાર એક ઐતિહાસિક ર્નિણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગુરુવારે દેશની ઈકોનોમીને અસર કરતાં ગોબરધન યોજનાને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ભારતમાં ગેસ બનાવવા અને વિતરણને પ્રોત્સાહન મળશે. સરકારે દેશમાં બાયોગેસ ઉત્પાદનને નવી દિશા આપવા માટે ૨૩,૭૩૧ કરોડ રૂપિયાની ગોવર્ધન રાષ્ટ્રીય યોજનાને મંજૂરી આપી છે. આ યોજના ૨૦૨૬-૨૭થી ૨૦૩૫-૩૬ સુધી ચાલશે. તેનો ઉદ્દેશ્ય ગોબર, પાકના અવશેષ, શહેરોનો જૈવિક કચરો અને બીજા બાયોમાસથી કંપ્રેસ્ડ બાયોગેસ બનાવવાનો છે.
આ યોજનાનો સૌથી મોટો ફાયદો ખેડૂતોને મળશે. હવે ગોબર અને ખેતીનો કચરો ખાલી ખેતરો સુધી મર્યાદિત નહીં રહે, ખેડૂતો તેને બાયોગેસ પ્લાન્ટને વેચીને વધારાની કમાણી કરી શકશે. તેનાથી પરાળી અને બીજા ખેતીના કચરાને સળગાવવાની જરૂરિયાત પણ ઓછી થશે, જેનાથી પ્રદૂષણ ઘટાડવામાં મદદ મળશે.
સરકારનો ટાર્ગેટ દેશમાં બાયોગેસ ઉત્પાદનને હાલના સ્તરથી લગભગ ૧૦ ગણું વધારવાનું છે. તેના માટે દેશભરમાં નવા કંપ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ લગાવવામાં આવશે અને ખાનગી કંપનીઓ સાથે ઉદ્યમીઓને પણ રોકાણ માટે પ્રોત્સાહિત કરાશે. બાયોગેસ પ્લાન્ટ લગાવવાથી ગામમાં રોજગારના નવા અવસર પેદા થશે. કચરાનો સંગ્રહ, પરિવહન પ્રોસેસિંગ અને ગેસ ઉત્પાદન સાથે જાેડાયેલા કેટલાય નવા કારોબાર શરૂ થઈ શકશે. તેનાથી ગ્રામીણ અર્થવ્યવસ્થાને પણ મજબૂતી મળશે. યોજના અંતર્ગત બાયોગેસ ખરીદની ગેરેન્ટી આપવામાં આવશે, જેથી પ્લાન્ટ લગાવનારાને બજારની ચિંતા ન રહે. બાયોગેસ માટે નિશ્ચિત અને સ્થિર કિંમત મળશે. નવા પ્લાન્ટ લગાવવા લોન અને સબ્સિડી અપાશે. ગેસની સપ્લાય વધારવા માટે પાઈપલાઈન નેટવર્ક વિકસિત કરાશે. આ ઉપરાંત એમએસએમઈ અને બીજા ઉદ્યમીઓને સરળ લોન અને લોન ગેરેન્ટીની સુવિધા મળશે.
સરકાર કરોડોની સબસિડી અને પાઇપલાઇન કનેક્શનની સુવિધા આપશે
નવો પ્લાન્ટ સ્થાપવા માટે નાણાકીય મુશ્કેલી ન
પડે તે માટે સરકાર ક્ષમતાના આધારે પ્રતિ ટન રૂપિયા બે કરોડ સુધીની સીધી મૂડી સહાય (સબસિડી) પૂરી પાડી રહી છે. આ ભંડોળ મશીનરીથી લઈને કચરો એકત્ર કરવાની સિસ્ટમ સુધીના કાર્યોમાં ઉપયોગમાં લઈ શકાશે. આ ઉપરાંત, પ્લાન્ટથી લઈને શહેરની મુખ્ય ગેસ પાઇપલાઇન સુધી જાેડાણ કરવાનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે અને બેંક લોન માટે ગેરંટી પણ આપશે. ગેસ વેચવા ઉપરાંત પાછળ બચેલા ઉત્તમ ગુણવત્તાના કાર્બનિક ખાતરને વેચીને ખેડૂતો અને પ્લાન્ટ માલિકો બમણો નફો કમાઈ શકશે.