દિલ્હી-

આઈપીઓ બહાર પડે એ પહેલાં અને ખાસ કરીને આગામી બજેટ રજૂ કરવા પહેલાં પોતે એલઆઈસીમાં રોકાણ કરી લે જેથી શેર્સના ભાવોનો લાભ મળે એવી વિચારણા કેન્દ્ર સરકાર કરી રહી છે અને તે માટે તે બજેટ થકી ભંડોળ પણ ફાળવવા વિચારે છે. 

આશરે 32 લાખ કરોડની સંપત્તિ 

હાલ એલઆઈસીની કુલ સંપત્તિ લગભગ 32 લાખ કરોડ છે, અને તેમાં સરકારની મૂડી માત્ર 100 કરોડ રૂપિયા છે. અગાઉ 50 વર્ષ સુધી સરકારનું રોકાણ માત્ર 5 કરોડ રૂપિયા જ હતું જેને  2012 માં વધારીને 100 કરોડ કરવામાં આવ્યું હતું. નિષ્ણાતોના મત અનુસાર, કંપનીનો આગામી આઈપીઓ આવે તે પહેલા જો સરકાર રોકાણ વધારે તો તેનો તેને મૂડીલાભ થાય અને શેર બહાર આવ્યા બાદ તેને હિસ્સો વધારવામાં વધારે રોકાણ કરવું પડે નહીં. 

આશરે 12 લાખ કરોડનું વેલ્યુએશન

અંદાજ છે કે એલઆઈસીનું વેલ્યુએશન 10 થી 12 લાખ કરોડ રૂપિયાની વચ્ચે હોઇ શકે છે. આવી સ્થિતિમાં સરકારના 100 કરોડની મૂડી પર શેરની કિંમત ઘણી ઊંચી હશે. સરકારે રોકાણ કરવું પડશે જેથી શેરની કિંમત ઓછી રહે અને સરેરાશ અને રિટેઇલ ઇન્વેસ્ટર રોકાણ કરી શકે.

એલઆઈસીનો હાલમાં ફક્ત એક જ હિસ્સો છે. આ હિસ્સો વહેંચવામાં આવશે અને ત્યારબાદ કરોડો શેર બનાવવામાં આવશે. સરકારની આ નાણાકીય વર્ષમાં જ આઈપીઓ શરૂ કરવાની યોજના છે, પરંતુ હવે તે આગામી નાણાકીય વર્ષમાં પણ આવી શકે છે. સરકાર આઇપીઓ દ્વારા એલઆઈસીનો લગભગ 10% હિસ્સો વેચવા માંગે છે. 

કેન્દ્ર 2.10 લાખ કરોડ શેર દ્વારા એકત્ર કરવા માંગે છે

કેન્દ્ર સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં શેરના વેચાણથી રૂપિયા 2.10 લાખ કરોડ એકત્રિત કરવાનું લક્ષ્‍યાંક નક્કી કર્યું છે. જેમાં સીપીએસઇના ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા 1.20 લાખ કરોડ અને નાણાકીય સંસ્થાઓમાં હિસ્સોના વેચાણ દ્વારા 90 હજાર કરોડ એકત્ર કરવામાં આવશે. સરકાર વર્તમાન નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા 6,138 કરોડ રૂપિયા એકત્રિત કરવામાં સફળ રહી છે.