અમદાવાદ-

ગુજરાતમાં કોરોના સંક્રમણની અસરમાંથી રાજ્ય સરકારની આવક બહાર આવી ચૂકી છે અને અનલોકના સમયમાં સરકારે ગયા વર્ષના નવેમ્બર મહિનાની સરખામણીએ આ નવેમ્બરમાં 11 ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની આવકમાં વૃદ્ધિ કરી છે. સરકારની નાણાંકીય સ્થિતિ સુધરી રહી છે, જેનું પ્રતિબિંબ આવતા વર્ષ 2021-22ના સામાન્ય અંદાજપત્રમાં પડી શકે છે. રાજ્યના નાણાં વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે નવેમ્બર 2019માં રાજ્યની આવક 6806 કરોડ રૂપિયા હતી જ્યારે નવેમ્બર 2020માં 7566 કરોડ રૂપિયા થઇ છે. રાજ્ય સરકારમાં ઓગષ્ટનું જીએસટી કલેક્શન 6030 કરોડ રૂપિયા હતું તે સપ્ટેમ્બરમાં વધીને 6787 કરોડ રૂપિયા થયું હતું. આ સૂચવે છે કે કોરોના સંક્રમણને લગતી સમસ્યા વચ્ચે સરકારની જીએસટીની આવકમાં વધારો થઇ રહ્યો છે. જો કે હજી સરકારની આર્થિક સ્થિતિ સામાન્ય થઇ શકી નથી. 

સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં જીએસટી સંગ્રહમાં વાર્ષિક ધોરણે 6 ટકાની વૃદ્ધિ નોંધાઇ હતી. રાજ્યમાં કોરોના સંક્રમણ સમયે માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઇ મહિનામાં જીએસટીની આવક નહીંવત જોવા મળી હતી. આ મહિનાઓમાં સરકારની આવકમાં મોટું નુકશાન થયું છે. ગુજરાતની સરખામણીએ દેશના અનેક રાજ્યોમાં હજી જીએસટીની આવકમાં નેગેટીવ ગ્રોથ જોવા મળ્યો છે. ગુજરાતના પડોશી રાજ્યોમા નવેમ્બર 2019 અને નવેમ્બર 2020ની તુલના કરીએ તો જીએસટીની આવકમાં સુધારો થયો નથી. મધ્યપ્રદેશની આવકમાં માત્ર બે ટકાનો તેમજ મહારાષ્ટ્રની આવકમાં માઇનસ ઠ ટકા સુધી નુકશાન જોવા મળી રહ્યું છે, જ્યારે રાજસ્થાનની આવકમાં પણ બે ટકાનો વધારો જોવા મળ્યો છે. પાડોશી રાજ્યોની તુલનામાં ગુજરાત સબળ પુરવાર થયું છે. નવેમ્બર મહિનામાં સૌથી વધુ 68 ટકાનો વધારો અરૂણાચલ પ્રદેશનો છે. સિક્કીમમાં 42 ટકા અને ત્રિપુરામાં 13 ટકાનો વધારો જોવા મળ્યો છે. દાદરા અને નગર હવેલીમાં તો આ વૃદ્ધિ 105 ટકા સુધી પહોંચી છે. કણર્ટિકમાં માઇનસ 12 ટકાનું નુકશાન છે. કેરાલામાં પણ માઇનસ સાત ટકા બિહારમાં માઇનસ 12 ટકા છે. જો કે તામિલનાડુમાં ગુજરાત પછી 10 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.