લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, સપ્ટેમ્બર 2026 |
2673
ગુજરાતી ફિલ્મ જગત અને સુગમ સંગીતના આકાશમાંથી એક તેજસ્વી સૂર ખોવાઈ ગયો છે. ગુજરાતના જાણીતા સંગીતકાર, સ્વરનિયોજક અને ગાયક ગૌરાંગ વ્યાસનું અમદાવાદમાં મોડી રાત્રે નિધન થયું છે.
તેઓ ૮૭ વર્ષના હતા. સંગીતકાર-ગીતકાર સ્વ. અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસે પોતાના પિતાની સમૃદ્ધ સંગીત પરંપરાને આગળ વધારીને ગુજરાતી સંગીતને પોતાની આગવી ઓળખ આપી હતી.૨૪ નવેમ્બર ૧૯૩૮ના રોજ જન્મેલા ગૌરાંગ વ્યાસને સંગીતનો વારસો ઘરમાંથી જ મળ્યો હતો. તેમના પિતા અવિનાશ વ્યાસ ગુજરાતી સંગીત જગતનું અગ્રગણ્ય નામ હતા. ગૌરાંગ વ્યાસે પાંચ વર્ષની ઉંમરે હાર્માેનિયમ પર ‘વૈષ્ણવજન’ વગાડવાનું શરૂ કર્યું હતું. તેમણે ૧૦૦થી વધુ ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપ્યું. ગુજરાતી સુગમ સંગીતના ક્ષેત્રમાં તેમણે ૫૦૦થી વધુ રચનાઓનું સ્વરાંકન કર્યું હોવાનું ગુજરાતી વિશ્વકોશ નોંધે છે. રાસ-ગરબા, ભજન, લોકસંગીત, નૃત્યનાટિકા અને ટેલિવિઝન માટે પણ તેમણે નોંધપાત્ર સંગીત આપ્યું છે.