ઇન્ટર્નશીપ કરતી યુવતીને રંજાડનાર હોમિયોપેથીનાં સ્ટુડન્ટની ધરપકડ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, જુલાઈ 2026  |   1287

બીએચએમએસનાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા પુણાના યુવકે ઇન્ટર્નશીપ કરતી યુવતી ઉપર અંગત સંબંધ રાખવા દબાણ કરવાનું ભારે પડ્યું છે. સંબંધ નહીં રાખે તે તારા અને પરિવારનું નામ ચિઠ્ઠીમાં લખી આપઘાત કરી લઈશ એવી ધમકી આપનાર મેડિકલ સ્ટુડન્ટને હવાલાતની હવા ખાવાનો વારો આવ્યો છે. પોલીસ સૂત્રો પાસે મળતી માહિતી અનુસાર પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતી કાજલ મિસ્ત્રી (ઓળખ બદલી છે) એ બીએચએમએસ નો અભ્યાસ પુર્ણ કર્યો છે. હોમિયોપેથિક ડોક્ટર તરીકે તેણી હાલ ઇન્ટર્નશીપ કરી રહી છે. મહેસાણા જિલ્લાની વતની એવી કાજલને અભ્યાસ દરમિયાન શ્રેયસ કનકભાઇ ભંડેરી (રહે, સમજુબા પાર્ક સોસાયટી, પુણા ગામ) સાથે ઓળખ પરિચય થયો હતો.

બીએચએમએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો શ્રેયસ ભંડેરી મિત્રતાથી આગળ વધી અંગત સંબંધ રાખવા માંગતો હતો. આ માટે તેણે કાજલને વાત કરી હતી. જાે કે, કાજલે તેને કેરિયર પર ફોકસ કરવા કહ્યું હતું. જાે કે, તે અવાર નવાર તેણીને મળી તથા કોલ કરી સંબંધ રાખવા દબાણ કરવા માંડ્યો હતો. કાજલે મારે કોઈ સંબંધ રાખવા નથી એમ સ્પષ્ટપણે કહેવા છતાં શ્રેયસે તેણીનો પીછો છોડ્યો ન હતો.

શ્રેયસ ભંડેરીએ કાજલ પર દબાણ વધારવાના ઇરાદે તેણી સાથેના ફોટા ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દીધા હતા. આ ઉપરાંત તેણે કાજલનાં ભાઇને મેસેજ કરી કાજલ મારી સાથે સંબંધ નહીં રાખે તો સુસાઇડ નોટમાં તેનું તથા પરિવારની નામ લખી આપઘાત કરી લઈશ એવી ધમકી આપી હતી. તેણે કાજલને પણ સતત મેસેજ કરી માનસિક અત્યાચાર કરવા માંડ્યો હતો. સોશિયલ મીડિયામાં ફોટા અપલોડ કરી બદનામી કરવા સાથે આપઘાત કરી ફસાવી દેવાની ધમકી આપવામાં આવતાં કાજલે પરિવાર સાથે પોલીસ મથકે જઇ ફરિયાદ નોંધાવી હતી.

ઇન્સ્પેક્ટર એન. એ. ચાવડાએ ભારતીય ન્યાય સંહિતા સને-૨૦૨૩ની કલમ-૭૮(૨), ૩૫૬(૨), ૩૫૧(૨) તથા આઇ.ટી. એક્ટ સને-૨૦૦૦ની કલમ-૬૬(સી) મુજબ ગુનો નોંધી શ્રેયસ ભંડેરીને શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફને દોડાવ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સથી પગેરૂ દાબી શ્રેયસ ભંડેરીની ધરપકડ કરાઇ હોવાનું જાણવા મળે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution