ઇડર તાલુકા પંચાયતના મસ્ટર કારકુન ૧૫૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ઓગ્સ્ટ 2026  |   1188

સાબરકાંઠા જીલ્લામાં ઈડર તાલુકાના ઓડા ગ્રામ પંચાયતના મનરેગા વિભાગમાં મસ્ટર કારકુન(મેટ) ને અરજદાર પાસેથી આવાસ યોજનાના હપ્તા પૈકી પંદર હજારની લાંચ માંગી હતી જેને લઈને અરજદારે એ.સી.બી નો સંપર્ક કર્યો હતો અને લાંચિયા કર્મીને ઝડપી લેવા છટકું ગોઠવ્યું હતું અને એન્ટીકરપ્શન બ્યુરોના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો હતો આ ઘટના બાદ જીલ્લા સહિત તાલુકાના લાંચિયા કર્મીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

આ અંગે એ.સી.બી ના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ એ.સી.બી માં ફરિયાદ આપનાર ફરિયાદીના પત્નીના નામે દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ મકાન સહાય મંજૂર થઈ હતી. આ મકાન સહાયના પ્રથમ હપ્તા પેટી ત્રીસ હજાર રૂપિયા ફરિયાદીના બેંક ખાતામાં જમા થયા બાદ આક્ષેપિત મસ્ટર કારકુન રમેશચંદ્ર મણીલાલ પંડ્યાએ ફરિયાદીનો ફોનથી સંપર્ક કર્યો હતો. અને મકાન સહાયના પ્રથમ હપ્તા રૂપે જમાં થયેલ રકમમાંથી પંદર હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. સાથે જ મનરેગા યોજનામાં કંઈક ઓછું કરી આપવાની પણ વાતચીત કરી હતી.

આ વાતચીત બાદ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોઈ તેઓએ હિંમતનગર એ.સી.બી કચેરીનો સંપર્ક સાધ્યો હતો. ત્યારબાદ એ.સી.બી કચેરીના પોલીસ ઈન્સ્પેક્ટર એ.ડી.સુથારે દેશોતર ચાર રસ્તા પાસે આવેલ એક પાર્લર પાસે વોચ ગોઠવી દીધી હતી. અને ફરિયાદીએ આરોપી લાંચિયા કારકુનને ત્યાં બોલાવતા આરોપી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાની માંગણી કરી લાંચ પેટના પંદર હજાર રૂપિયા સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો. આ બાબતે એ.સી.બી ની ટીમે આરોપી કારકુનની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution