લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, નવેમ્બર 2026 |
3564
ભારતીય મહિલા અંડર-૧૯ ટીમે શનિવારે વડોદરાના કોટમ્બી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી બિનસત્તાવાર ટી૨૦ મેચમાં ઇંગ્લેન્ડને ૧૦૬ રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૨૩૦ રન બનાવ્યા. જવાબમાં, ઇંગ્લેન્ડ ૧૨૪ રનમાં આઉટ થઈ ગયું. આ જીત સાથે, ભારતીય ટીમે પાંચ મેચની શ્રેણીમાં ૨-૦ની લીડ મેળવી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય લીધા બાદ ઇશ્વરી અવસરે અને દિયા યાદવે ભારતીય ટીમને મજબૂત શરૂઆત અપાવી. બંનેએ પ્રથમ વિકેટ માટે ૪૦ રન ઉમેર્યા. ઇશ્વરી ૧૮ રન બનાવીને આઉટ થઈ ગઈ. ભારતે ૭.૪ ઓવરમાં ૬૭ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ દિયા યાદવ અને અક્ષા પરમારે ચોથી વિકેટ માટે ૧૦૪ રન ઉમેર્યા. દિયા ૮૭ રન બનાવ્યા બાદ આઉટ થઈ ગઈ. ઉમા કાશ્વીએ ૧૫ રન બનાવ્યા, જ્યારે કુમારી પલક છેલ્લા બોલમાં છગ્ગો ફટકારીને ભારતનો સ્કોર ૨૩૦ સુધી પહોંચાડ્યો. ૮૨ રન બનાવ્યા બાદ અક્ષા ઇનિંગ્સના છેલ્લા બોલ પર રન આઉટ થઈ ગઈ. ૨૩૧ રનના લક્ષ્યનો પીછો કરતા ઇંગ્લેન્ડે મજબૂત શરૂઆત કરી. બ્રાયની ગિલગ્રીસે ૧૮ રન બનાવ્યા. ભારતીય બોલરોએ સતત વિકેટો લઈને ઇંગ્લેન્ડ પર દબાણ બનાવ્યું. ફેઇથ ટીકાસિંઘે ૫૮ રન બનાવ્યા. ટીમ ૧૨૪ રનમાં આઉટ થઈ ગઈ.ભારત તરફથી પૂર્વા સિવાચ, મૈત્રી મણિયાર અને ઉમા કાશ્વીએ બે-બે વિકેટ લીધી.