ભારતનું મિસાઇલ અને ડ્રૉન ટેક્નોલોજીમાં આર્ત્મનિભરતા તરફ ઐતિહાસિક પગલું 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓગ્સ્ટ 2026  |   3168

ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતાં સ્વદેશી ૩૫૦ કિલોગ્રામ થ્રસ્ટ-ક્લાસ એક્સપેન્ડેબલ ટર્બોજેટ એન્જિન સફળતાપૂર્વક વિકસાવ્યું છે. 

આ એન્જિનના વિકાસ સાથે ભારત હવે એવા પસંદગીના દેશોમાં સામેલ થયું છે, જે મિસાઇલ અને ડ્રોન માટે આધુનિક જેટ એન્જિનનું ડિઝાઇન અને ઉત્પાદન સ્વદેશમાં કરવાની ક્ષમતા ધરાવે છે. આ સિદ્ધિ દેશની સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવવાની સાથે ‘આર્ત્મનિભર ભારત’ અભિયાનને પણ નવી દિશા આપશે.

આ એન્જિનનું ડિઝાઇન DRDOની બેંગલુરુ સ્થિત ગેસ ટર્બાઇન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ દ્વારા તૈયાર કરાયું છે, જ્યારે તેનું ઉત્પાદન હૈદરાબાદ સ્થિત ખાનગી કંપની આઝાદ એન્જિનિયરિંગ દ્વારા કરવામાં આવ્યું છે. આ એક એક્સપેન્ડેબલ ટર્બોજેટ એન્જિન છે, જેનો ઉપયોગ મુખ્યત્વે ક્રૂઝ મિસાઇલ, લોઈટરિંગ મ્યુનિશન (સુસાઇડ ડ્રોન), ટાર્ગેટ ડ્રોન અને હાઈ-સ્પીડ માનવરહિત વિમાનોમાં કરવામાં આવશે.ટર્બોજેટ એન્જિન એરોસ્પેસ ક્ષેત્રની સૌથી જટિલ ટેક્નોલોજીમાંનું એક માનવામાં આવે છે. આ એન્જિન હવામાંથી ઓક્સિજન ખેંચી તેને કમ્પ્રેસ કરે છે અને બળતણ સળગાવી સતત થ્રસ્ટ ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયા માટે ઉચ્ચ સ્તરની એન્જિનિયરિંગ, વિશેષ ધાતુઓ અને અત્યંત ચોકસાઈયુક્ત ઉત્પાદન ક્ષમતાની જરૂર પડે છે. આ કારણે આ ટેક્નોલોજી અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને ચીન જેવા મર્યાદિત દેશો પાસે જ ઉપલબ્ધ હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution