13, ઓગ્સ્ટ 2025
ગાંધીનગર |
2871 |
શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર કરીને ખાસ આદેશ કરવામા આવ્યો
શિક્ષણ વિભાગના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેકટર દ્વારા રાજ્યના તમામ કલેકટર, ડીડીઓ, શિક્ષણ કચેરીઓના કમિશનરો તેમજ મામલતદારોને પરિપત્ર કરીને ખાસ આદેશ કરવામા આવ્યો છે કે, શાળાના સીઆરસી, બીઆરસી અને યુઆરસી કોઓર્ડિનેટરોને શિક્ષણ સિવાયની એટલે કે બિન શૈક્ષણિક કામગીરી સોંપવામાં ન આવે. જેને લઈને બીજી બાજુ સરકારી-કોર્પોરેશન સ્કૂલોના શિક્ષકોમાં રોષ ફેલાયો છે કે, માંડ 51 ટકા કોઓર્ડિનેટરો સ્કૂલોમા વિઝિટ માટે જાય છે છતાં પણ અન્ય તમામ કામથી મુક્તિ અપાઈ છે, પરંતુ શિક્ષકો પાસે શિક્ષણ ઉપરાંતની અન્ય તમામ મોટા ભાગની કામગીરી કરાવવામાં આવે છે.
સરકારના સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ડિરેકટરે તમામ શિક્ષણના વિભાગો, કમિશનરો અને કચેરીઓથી માંડી કલેકટરોને સૂચના આપતા જણાવ્યું છે કે, તાલુકા કક્ષાએ બીઆરસી-યુઆરસી અને ક્લસ્ટર કક્ષાએ સીઆરસી કોઓર્ડિનેટરોની નિમણૂક પ્રતિનિયુક્તિથી કરાર આધારિત કરવામાં આવે છે. જેમણે જિલ્લા-તાલુકા કક્ષાની વિવિધ કચેરીઓ દ્વારા શિક્ષણ સિવાયની અન્ય કામગીરી અવારનવાર સોંપાય છે. જેથી સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ હેઠળની કામગીરી માટે સમય આપી શકતા નથી. અગાઉ પણ પરિપત્રો કરીને જીલ્લાઓને શિક્ષણ સિવાયની કામગીરી ન સોંપવા સૂચના અપાઈ હતી. છતાં શિક્ષણના વિવિધ વિભાગો-કચેરીઓ દ્વારા કોઓર્ટિનેટરોને શિક્ષણ સિવાયની બિન શૈક્ષણિક કામગીરી સોંપવાના સીધેસીધા આદેશો થાય છે.
હવે આ કોઓર્ડિનેટરનો ચૂંટણીની પ્રત્યક્ષ કામગીરી તેમજ કુદરતી આપત્તિઓ તથા વસ્તી ગણતરી સિવાયની અન્ય કોઈ પણ કામગીરી ન સોંપવા જણાવવામાં આવ્યું છે. હવેથી બીએલઓ સુપરવાઈઝર અને મતદાર યાદી સુધારણાથી માંડી વસતી ગણતરી અને રાહત કામગીરી સિવાયની અન્ય કોઈ કામગીરીમાં શિક્ષણના કલાકો-દિવસો કે ચાલુ ફરજ દરમિયાન જોડી શકાશે નહીં.