લોકરમાંથી ચોરાયેલા દાગીના દિયોરા પાસેથી ખરીદનારા જ્વેલરે લગડી બનાવી વેચી માર્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, જુલાઈ 2026  |   1881

નક્ષત્ર સેફ હાઉસનાં માલિકોએ ચોરેલું ગ્રાહકોનું સોનું ખરીદનાર જ્વેલરને સિંગણપોર પોલીસે કોર્ટમાં રજુ કરી એક દિવસનાં રિમાન્ડ મેળવ્યા છે. મળતી માહિતી અનુસાર અડાજણમાં સ્વામીનારાયણ મંદિર પાસે આનંદ વાટિકા સોસાયટીમાં મહેશ ડાહ્યાભાઇ દિયોરા તેમના બે દીકરા હર્ષ અને હરિકૃષ્ણ સાથેના પરિવારમાં રહે છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના વતની એવા આ દિયોરા પિતા-પૂત્ર સિંગણપોરમાં કોઝવે રોડ ઉપર કૃષ્ણજીવન સોસાયટીમાં નક્ષત્ર સેફ હાઉસ ચલાવે છે. હર્ષે શેર બજારમાં ત્રણેક કરોડનું દેવાળું ફૂંકતાં દિયોરા પરિવાર ભીંસમાં મૂકાયો હતો. જેમાંથી બહાર નીકળવાં આ પિતા પૂત્રએ લાંબા સમયથી ઓપરેટ થયા ન હોય એવા ૯ ગ્રાહકોના લોકર શોધી તેમાંથી

૩ય૪૬ કરોડનું ૩૨૬ તોલા સોનું ગાયબ કરી દીધું હતું. આ કાંડના પુરાવા સમાન સીસી કેમેરા ડિલીટ મારવા માટે હર્ષે એઆઇ પ્લેટફોર્મ જેમીની પાસે ગાઇડન્સ મેળવ્યું હતું.

આ કેસમાં સિંગણપોર પોલીસે ગુનો નોંધી હર્ષ, હરિકૃષ્ણ અને મહેશ દિયોરાના પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. લોકરની ડુપ્લિકેટ ચાવી બનાવડાવી ચોરી કરાયેલા દાગીના અંગે તેમની કડકાઇથી પૂછપરછ કરાઈ હતી. જેમાં તેઓએ ક્રિષ્ના જ્વેલર્સના માલિક મિતેશભાઇ ભરતભાઇ પારેખ (રહે, ૧૪૨ ગોપીનાથ સોસાયટી વિભાગ-ર શક્તિનગરની વાડી પાસે કતારગામ) અને કૌશલ ધનેન્દ્ર સુપેડા (રહે, પ્રયોશા પ્રાઈમ સુમુખ સર્કલ પાસે ડીંડોલી સુરત)નું નામ આપ્યું હતું. પોલીસે ત્વરિત આ બંનેની પણ ધરપકડ કરી હતી. મિતેશ અને કૌશલની તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, તેમણે દિયોરા પાસે ખરીદેલા દાગીના ઓગાળી નાંખી તેમાંથી લગડી બનાવી વેચી નાંખી હતી. જાે કે, આ લગડી કયાં અને કોને વેચાઇ હતી એની માહિતી તેમણે પોલીસને આપી ન હતી. જેથી બંનેને કોર્ટમાં રજુ કરી પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતાં. જાે કે રિમાન્ડ રિપોર્ટમાં ચોરીનો માલ ખરીદવા અંગેની કોઇ કલમ લખવામાં આવી ન હોવાથી કોર્ટે પોલીસને ટકોર કરી હતી. કલમ ઉમેરા સાથે નવો રિપોર્ટ રજુ કરવામાં પોલીસે ચાર પાંચ કલાક કાઢી નાંખતાં એક તબક્કે કોર્ટ અકળાઇ પણ હતી.

પોલીસે કોર્ટને જણાવ્યું હતુ કે, કૌશલ ધનેન્દ્ર સુપેરા તથા મિતેશ ભરતભાઈ પારેખ સાથે અન્ય કોઇ ઇસમો સંકળાયેલ છે કે કેમ? તે બાબતે ઉંડાણપુર્વક સચોટ તપાસ કરવાની છે. હર્ષ પાસે ખરીદેલા દાગીનાની લગડી બનાવી વેચી દીધાનું તેઓ કહે છે ત્યારે ચોરીનો માલ વેચી મેળવેલા રૂપિયા અંગે તપાસ કરવાની છે. બંનેના ધંધાના સ્થળે હિસાબ કિતાબ ચેક કરવાના છે. કોર્ટે પોલીસની આ દલીલો ધ્યાને લઇ એક દિવસનો રિમાન્ડ આપ્યા હતાં.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution