લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, ઓક્ટોબર 2026 |
2673
ઓલપાડનાં નઘોઇ ગામનાં મંદિર ફળિયામાં રહેતાં મંજુલાબેન કાંતિભાઈ પટેલ તા. ૧ ઓક્ટોબરનાં રોજ બપોરે પતિ કાંતિભાઈ સાથે ટુ-વ્હીલર પર કવાસ ગામથી નઘોઈ પરત ફરી રહ્યાં હતાં ત્યારે ભેસાણ ચોકડી પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. રાહદારીએ તાત્કાલિક તેમને પોતાની કારમાં શ્રીહોસ્પિટલ ખસેડ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં જનરલ સર્જન ડો. નૈનેશ પટેલની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યાં હતાં. તા. ૩ ઓક્ટોબરનાં રોજ ન્યુરોસર્જન ડો. હરીન મોદી, ફિઝિશિયન ડો. અંકુર ચૌધરી, જનરલ સર્જન ડો. નૈનેશ પટેલ અને મેડિકલ ઓફિસર ડો. સલોની પટેલે મંજુલાબેનને બ્રેઇનડેડ જાહેર કર્યા હતાં પરિવારે ડોનેટ લાઇફનાં ટ્રસ્ટી નીરવ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી મંજુલાબેનનાં બ્રેઇનડેડ અંગે અને પરિવારની અંગદાનની ઇચ્છા અંગે જાણકારી આપી હતી.
ડોનેટ લાઇફની ટીમે હોસ્પિટલ પહોંચી મંજુલાબેનનાં પતિ કાંતિભાઈ, પુત્ર જેનીશ, પુત્રી મોનિકા, જમાઈ હિરેનભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા અને તેનું મહત્વ સમજાવ્યું હતું. મંજુલાબેનનાં પતિ કાંતિભાઈએ પત્નીનાં જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તેટલા અંગોનું દાન કરાવી અંગ નિષ્ફળતાનાં દર્દીઓને નવજીવન આપવા માટે મંજૂરી આપી હતી. મંજુલાબહેનનાં લિવર અને બંને કિડનીનું એલોકેશન અમદાવાદની હોસ્પિટલને કરવામાં આવ્યું હતું. ચક્ષુઓનું દાન લોકદૃષ્ટિ ચક્ષુ બેંકનાં ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું. કિડની અને લિવર સમયસર રોડ માર્ગે અમદાવાદ પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. અંગદાનની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઇફના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. ડોનેટ લાઇફ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૪૦૯ અંગો અને ટિશ્યુનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં ૫૬૪ કિડની, ૨૪૬ લિવર, ૫૯ હૃદય, ૫૬ ફેફસાં, ૧૦ પેન્ક્રિયાસ, ૧૧ હાથ, ૧ નાનું આંતરડું અને ૪૬૨ ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ ૧૩૦૦ વ્યક્તિઓને નવજીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે.