/
સગીરા સાથે દુષ્કર્મ કરનાર બે નરાધમોને આજીવન કેદ

વડોદરા, તા.૯

સવા બે વર્ષ અગાઉ ખુદ ગૃહ રાજ્યમંત્રીને દોડી આવવું પડયું હોય એવા ચકચારી નવલખી રેપકાંડનો ચુકાદો ર૭ માસ બાદ પોકસો કોર્ટે આજે આપ્યો છે. બંને આરોપી નરાધમોને અદાલતે જીવનના છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફરમાવી હોવાનું કેસના ખાસ સરકારી વકીલે જણાવ્યું છે. જાે કે, આ મામલામાં ફાંસીની સજાની માગ થઈ હતી. પરંતુ અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે.

સમગ્ર રાજ્યને એ સમયે હચમચાવી મુકનાર લઘુમતી કોમની સગીર બાળાને મંગેતર સાથે નવલખી મેદાનમાં બેઠી હતી ત્યારે બે નરાધમો અંદરના અંધારાના ભાગે ગીચ ઝાડી-ઝાખરાંમાં ખેંચી ગયા હતા અને નિર્દયતાપૂર્વક સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. એનઆરસી અને સીએએ કાયદાનો વિરોધ દેશભરમાં ઊઠયો હતો એવા સમયે લઘુમતી કોમની સગીરા ઉપર દુષ્કર્મની ઘટનાને પગલે ગૃહ રાજ્યમંત્રી દોડી આવ્યા હતા. સવા બે વર્ષ અગાઉ ર૮ નવેમ્બર, ૨૦૧૯ની રાત્રિએ નવલખી મેદાન સામે આવેલ ખાનકાહે રિફાઈ દરગાહ ઉપર ઉર્સ દરમિયાન મંગેતર સાથે થયેલી ૧૪ વર્ષ ૮ માસની લઘુમતી કોમની સગીરા બાદમાં નવલખી મેદાનમાં એક્ટિવા પાર્ક કરી મંગેતર સાથે રાત્રિના આઠ વાગે બેઠી હતી ત્યારે એકાએક ધસી આવેલા કિશન માથાસુરિયા અને જશા સોલંકી નામના બે નરાધમોએ મંગેતરને ડરાવી-ધમકાવી માર મારીને ભગાડી મૂકયો હતો. ત્યાર બાદ સગીરાને નજીકમાં આવેલી ઝાડી-ઝાંખરાંમાં લઇ જઇ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાયા બાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી.આ કેસમાં સ્પેશિયલ સરકારી વકીલ તરીકે એડવોકેટ પ્રવીણ ઠક્કરની નિમણૂક કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કેસમાં પોલીસે ૪૫ દિવસમાં તપાસ પૂરી કરી હતી અને ૧૫૦૦ પેજની ચાર્જશીટ રજૂ કરી હતી. પોલીસે ૪૦ સાક્ષી તપાસ્યા હતા. ભોગ બનનાર સહિત બેના ૧૬૪ મુજબનું નિવેદન લેવામાં આવ્યાં છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કેસમાં સાયન્ટિફિક પુરાવાઓમાં મળ્યાં છે અને ડીએનએ મેચ થતાં હોવાના કારણે આરોપીઓ સામે મજબૂત પુરાવાઓ છે. સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું કે, તેમણે આરોપીઓને મૃત્યુદંડની સજાની માગણી કરી હતી. ઘટનાના ૨૬ માસ બાદ ચુકાદો જાહેર થયો છે.

દુષ્કર્મકાંડના કેસમાં આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૭૬ (૨) (એમ) (એન), ૩૭૬ (૩), ૩૭૬ (ડી) (એ), ૩૭૭, ૩૬૩, ૩૯૪, ૩૨૩, ૫૦૬ (૨) અને ૧૧૪ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોક્સોની કલમ ૪ (૨), ૬(૧), ૮, ૧૦ અને ૧૭ પણ લગાવવામાં આવી હતી.

તપાસની સાથે સાથે...

• ૪૫ દિવસમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ પૂરી કરી હતી

• ૧૫૦૦ પેજની ચાર્જશીટ દાખલ થઈ હતી

• ૨૨ પંચને તપાસવામાં આવ્યા

• ૯૮ પૈકી ૪૦ સાક્ષી તપાસવામાં આવ્યા

• ૧૬૪ મુજબ ભોગ બનનાર સહિત બેનાં નિવેદન લેવાયાં

• ૧ પણ સાક્ષી હોસ્ટાઇલ નથી થયા

ફાંસીની માગ થઈ હતી

સામૂહિક દુષ્કર્મ હોવાથી મામલાના ખાસ સરકારી વકીલે ફાંસીની સજાની માગ કરી હતી પરંતુ અદાલતે ભોગ બનેલી સગીરા જીવિત હોવાથી આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર નહીં ગણી બંને નરાધમોને જીવનના છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેસની સજા ફરમાવી હોવાનું અદાલતીવર્તુળોએ જણાવ્યું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution