લૂમ્સનાં કારીગરોએ કામકાજ ઠપ કર્યું: ભીડને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, ઓક્ટોબર 2026  |   1782

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા હેઠળ આવતા સાયણ ઔદ્યોગિક વિસ્તારમાં લૂમ્સ ફેક્ટરીના કારીગરોએ અચાનક હડતાળનું શસ્ત્ર ઉગામતાં ટેક્સટાઇલ ક્ષેત્રે મોટો ખળભળાટ મચી ગયો છે. દર રવિવારે હક રજા એટલે કે સાપ્તાહિક સવેતન રજા અને યોગ્ય પગાર વધારાની માંગ સાથે ૧૫૦થી વધુ કારીગરો કામકાજ ઠપ્પ કરી રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્થિતિ તંગ બનતાં પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરી ટોળાને વિખેરવાની ફરજ પડી હતી.

આ વિરોધ પ્રદર્શન પાછળ કારીગરોનો મુખ્ય આક્ષેપ એવો છે કે તેઓ પાસેથી અઠવાડિયાના સાતેય દિવસ ૧૨-૧૨ કલાક સતત કામ લેવામાં આવે છે, પરંતુ કાયદેસર મળવાપાત્ર રવિવારની સવેતન રજા આપવામાં આવતી નથી. આ ઉપરાંત મોંઘવારીના પ્રમાણમાં કારીગરો લાંબા સમયથી લઘુત્તમ વેતનમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે. શ્રમિક સંગઠનો નિયત ૮ કલાકની શિફ્ટ લાગુ કરવા અને વધારાના કલાકો માટે યોગ્ય ઓવરટાઇમ ભથ્થું ચૂકવવાની માગ પર અડગ છે. પ્રાપ્ત વિગતો મુજબ, વહેલી સવારની શિફ્ટમાં કારીગરોએ એકઠા થઈને લૂમ્સ મશીનો ચલાવવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ મોટી સંખ્યામાં કારીગરો સૂત્રોચ્ચાર કરતા કરતા રસ્તા પર આવી પહોંચ્યા હતા, જેના કારણે ઔદ્યોગિક વિસ્તારમાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે શરૂઆતમાં સમજાવટથી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કારીગરો પોતાની માંગણીઓ તાત્કાલિક સ્વીકારવાની જીદ પર અડગ રહેતાં ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. આખરે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા પોલીસે લાઠીચાર્જ કરી વિરોધ કરી રહેલા કારીગરોને રસ્તા પરથી ખસેડ્યા હતા.

સુરત અને તેની આસપાસના વિસ્તારો જેવા કે સચિન, પાંડેસરા, કતારગામ અને સાયણમાં છેલ્લા કેટલાક સમયથી ટેક્સટાઇલ અને એમ્બ્રોઇડરી કારીગરો રજાના પ્રશ્ને આંદોલન ચલાવી રહ્યા છે. કારીગરોનું કહેવું છે કે મિલ માલિકો અને એસોસિએશન સમક્ષ વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી. શ્રમ વિભાગ દ્વારા અગાઉ જારી કરાયેલા નિર્દેશોનું પણ કેટલાક એકમોમાં યોગ્ય પાલન થતું નથી, જેને કારણે શ્રમિકોમાં અસંતોષ વધ્યો છે. બીજી તરફ, કારીગરોની હડતાળને લીધે ઉત્પાદન અટકી જવાથી કાપડના ઉત્પાદન અને સમયસર ડિલિવરી પર સીધી અસર પડી રહી છે. હાલ સાયણ વિસ્તારમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે, પરંતુ કામદારોમાં પોતાના હકની માંગણીઓને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર અને શ્રમ વિભાગ આ મામલે વહેલી તકે મધ્યસ્થી કરી યોગ્ય ઉકેલ લાવે તેવી માંગ ઉઠી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution