લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, ઓગ્સ્ટ 2023 |
6831
વડોદરા, તા. ૨૨
શહેરના સંવેદનશીલ કારેલીબાગ મચ્છીપીઠમાં આવેલા મહેરાલી ફ્લેટમાં એસઓજીની ટીમે દરોડો પાડીને મકાનમાં વેચાણ માટે મુંબઈથી લાવેલું બે લાખથી વધુની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ડ્રગ્સ સાથે ઝડપાયેલાં બે યુવકોની એસઓજી પોલીસે અટકાયત કરી ફ્લેટમાં તપાસ કરી હતી જેમાં રોકડા ૧૫ લાખ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે હાલમાં બંને આરોપીઓની ધરપકડ કરી તેઓની પાસેથી આશરે ૧૮ લાખની મત્તા જપ્ત કરી હતી.
શહેરના યુવાધનને ડ્રગ્સના રવાડે ચઢાવીને બરબાદ કરવાના ઈરાદે ૩૬ વર્ષીય ઈમરાન અનવરમીંયા મલેક (ચોથોમાળ- મહેરાલી ફ્લેટ, કાગદીવાડ, મચ્છીપીઠ)તેના સાગરીત સાથે મળીને ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હોવાની એસઓજી પોલીસને માહિતી મળી હતી. આ માહિતીના પગલે એસઓજીના પીઆઈ વી.એસ.પટેલ સહિતની ટીમે એફએસએલની ટીમ સાથે બપોરે ઈમરાન અનવરમીયા મલેકના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાં ઈરમાન મલેક સાથે ૩૧ વર્ષીય મતીન ઉર્ફ મક્કો ઉસ્માનગની શેખ (નુરુલ એન મસ્જીદ પહેલા, પટેલ ફળિયા, હાથીખાના) પણ મળી આવ્યો હતો.
પોલીસે બંનેને સાથે રાખી મકાનમાં તપાસ કરી હતી જેમાં મકાનમાંથી ૨.૧૦ લાખની કિંમતનું ૨૧ ગ્રામ મેફડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે આ ડ્રગ્સ અંગે પુછપરછ કરતા ઈમરાને જણાવ્યું હતું કે તેણે મતીન ઉર્ફ મકકા શેખ ત્રણ દિવસ પહેલા મુંબઈથી એમડી ડ્રગ્સ અત્રે લાવ્યો હતો અને તેઓ તેનું અત્રે વેચાણ કરતા હતા. આ વિગતોના પગલે પોલીસે ઈરમાન અને મતીનની અટકાયત કરી હતી. પોલીસે બંને પાસેથી બે મોબાઈલ ફોન તેમજ અંગઝડતી કરીને રોકડા ૩૦ હજાર કબજે કર્યા હતા. આ બંનેએ મકાનમાં ડ્રગ્સ છુપાવ્યું હોવાની શંકા હોઈ પોલીસે મકાનમાં તપાસ કરી હતી જેમાં મકાનમાંથી રોકડા ૧૫ લાખ મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ રોકડ અંગે આરોપીઓએ કોઈ સંતોષકારક જવાબ નહી આપતા પોલીસે આ રોકડ પણ કબજે કરી હતી. પોલીસ બંને આરોપી પાસેથી એમડી ડ્રગ્સ ઉપરાંત રોકડા ૧૫.૩૦ લાખ અને બે મોબાઈલ ફોન સહિત આશરે ૧૮ લાખની મત્તા જપ્ત કરી તેઓને એસઓજી ખાતે લાવી ઘનિષ્ટ પુછપરછ હાથ ધરી હતી.