વડોદરા

વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના આઠ લાખ નાગરિકોને પાણી પૂરું પાડતા આજવા સરોવરના નિમેટા પ્લાન્ટમાં અવારનવાર સર્જાતી ખામીઓ અને અકલ્પનિય તથા આકસ્મિક ભંગાણને લઈને પાલિકાના શાસકો દ્વારા વારંવાર પાણીની માફક ખર્ચાઓ કરવામાં આવે છે. તેમ છતાં છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી પાલિકાના નપાણીયા શાસકો પાણીની સમસ્યા ઉકેલવામાં ધરાર નિષ્ફળ નીવડયા છે.

 શહેરના અડધોઅડધ વિસ્તારોમાં દુષિત પાણીના પ્રશ્નને લઈને જ્યારે નાગરિકો હેરાન પરેશાન થઇ રહયા છે. ત્યારે પાલિકા તંત્ર અખતરાઓ પર અખતરાઓ કરીને નિમેટા પ્લાન્ટની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમ છતાં આ સમસ્યા દિવસે દિવસે સુધારવાને બદલે વધુને વધુ વિપરીત થઇ રહી છે.

આ કારણસર દોષનો ટોપલો શાસકોના માથે આવતા અધિકારીઓ સામે પગલાં લઇ કાર્યવાહી કરવામાં આવી હોવાનો સંતોષ માનીને પ્રજાનો રોષ ઠારવા પ્રયાસ કરાયો હતો. પરંતુ ત્યારબાદ દુષિત પાણીની સ્થિતિ વધુ વકરતા ઇજારદારને પણ બદલીને રાજકીય ગોઠવણવાળા બહારના રાજ્યના ઇજારદારને પૂર્વ ઇજારદાર કરતા અત્યંત ઉંચા દોઢા ઉપરાંતના ભાવે ઈજારો આપવામાં આવ્યો હતો. તેમ છતાં આ ઇજારદાર પોતાની વાગને લઈને પાલિકાના અધિકારીઓ અને શાસકોને કોઈપણ પ્રકારે ગાંઠતો નથી એવી બુમરાણ મચવા પામી છે. ઉલટાનું પાલિકાનું નાક દબાવીને મોં ખોલાવવામાં ઇજારદાર સફળ રહ્યો છે. ત્યારે એની ગુલામી કરતા ભ્રષ્ટ શાસકોના પાપે પાલિકાને છાસવારે ઇજારદારોની બેપરવાહી અને બેકાળજીને લઈને નિમેટા પ્લાન્ટ પાછળ લાખો રૂપિયાનું આંધણ કરવું પડે છે.

આવી જ વધુ એક કામગીરીમાં પાલિકા તંત્ર દ્વારા નિમેટા પ્લાન્ટ નંબર -૨ ખાતે ફિલ્ટર મીડિયા ટોપ-અપ કરવાની કામગીરી તાકીદની કિઆંગીરી સ્વરૂપે કરવાની ફરજ પડી હતી. જેમાં જીપીએમસી એક્ટની કલમ ૬૭ (૩)સી હેઠળ કોન્ટર કન્સ્ટ્રક્શનને કામગીરી સોંપવામાં આવી હતી. જેને ભાવપત્રકની પ્રક્રિયાનો બાધ દૂર કરીને તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહીમાંથી મુક્તિ આપીને કામ કરાવવામાં આવ્યું હતું. જેની પાછળ થયેલ છ લાખ રૂપિયા ઉપરાંતના ખર્ચને સ્થાયી સમિતિની મિટિંગમાં બહાલી આપવામાં આવી છે. આમ પાલિકા દ્વારા ઇજારદારોને કામગીરી સોંપાયા પછીથી નિમેટા પ્લાન્ટ પાછળ પાણીની માફક આંધળુકિયા ખર્ચા કરાઈ રહયા છે.