લાજપોર સેન્ટ્રલ જેલમાં હાઇસિક્યુરિટી બેરેકની ખોલીમાં મોબાઇલ ફોન મળ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ઓગ્સ્ટ 2026  |   1584

લાજપોર સેન્ટ્રલ જેલમાં હાઇ સીક્યુરિટી બેરેકમાં રખાયેલા આરોપી પાસેથી ઝડતી સ્કવોડે મોબાઇલ શોધી કાઢ્યો હતો. સતીષ મરાઠી હત્યા કેસમાં લાજપોર જેલમાં રહેતા રાહુલ મંડલની ભૂમિકા અને મોબાઇલનાં ઉપયોગની વાત આવતાં જેલતંત્ર દોડતું થઇ ગયું છે. ભેસ્તાન પોલીસ તપાસ કરવા જેલમાં પહોંચે એ પહેલા જેલના સ્ટાફ દ્વારા તમામ બેરેકમાં જડતી તપાસ કરી હતી. દરમિયાન હાઇ સીક્યુરિટી કહો કે સેપરેટ સેલમાં જેલર સંદીપ વળવી તેમની ટીમ સાથે પહોંચ્યા હતાં. સાડા છ થી સાત વાગ્યા સુધી કરાયેલી તપાસમાં બેરેકમાંથી કશું મળ્યું ન હતું. ત્યારબાદ યાર્ડ જેલર જે. બી.પાથર ની સુચના મુજબ સેપરેટ સેલની બહારના ભાગે ઝડતી કરવામાં આવી હતી. જેમાં સેપરેટ સેલની ખોલી ૬૯ નંબરની ખોલીમાં બહારના ભાગેથી સીડી લગાવી બારીમાંથી ચેક કરતા બાથરૂમની પાળી ઉપરથી મોબાઇલ ફોન મળ્યો હતો. બેટરી અને સીમકાર્ડ સાથેનો આ નોકીયા મોબાઈલ કબજે લઇ એ ખોલીમાં રખાયેલા આરોપી વિકાસ શંકરભાઈ આહિર સામે સચિન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી.

ઉલ્લેખનીય છે કે, ઉધના દરવાજા વિસ્તારની હોટેલમાંથી ઝડપાયેલા ૩૫૫ ગ્રામ એમડી ડ્રગ્સનાં રેકેટમાં સંડોવણી બહાર આવતાં એસઓજી દ્વારા વિકાસ શંકર આહિરની ધરપકડ કરાઇ હતી. ડ્રગ્સ પેડલર તરીકે ધરપકડ કરાયેલો વિકાસ આહીર આમ તો સેકન્ડ યર એલએલબી માં અભ્યાસ કરે છે. પરંતુ તે હિન્દુ યુવા વાહિનીનાં સુરત પ્રમુખ તરીકે વધુ લાઇમલાઇટમાં રહ્યો હતો. વિકાસનો પરિવાર આઇસ્ક્રીમનાં ધંધા સાથે રાજસ્થાનનાં ઉદયપુરમાં રાઇટ ચોઇસ નામથી હોટેલ પણ ધરાવે છે. ધંધો અને હિન્દુવાદી સંગઠનનો પ્રમુખ હોવાના નામે વિકાસે પોલીસ પાસે હથિયાર લાયસન્સ પણ મેળવ્યું હતું. જાે કે સ્વરક્ષણના નામે મેળવાયેલા આ હથિયારનો સીન-સપાટા માટે વધુ ઉપયોગ કરવા માંડ્યો હતો. વિકાસની સામે લૂંટ સહિતનાં છ ગુનાઓ અમરોલી, સલાબતપુરા, ઉમરા, ગોડાદરા, ઉધના અને લિંબાયત પોલીસ મથકમાં દાખલ થતાં તેની હથિયાર લાયસન્સ રદ કરી દેવાયું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution