દિલ્હી-

ભારતમાં હવે નિકાસની પાંખે વિકાસ જોરશોરથી ઉડાન ભરી રહ્યો છે. તેવામાં હવે વિકાસને રોકવો સંભવ નથી. ગયા મહિને જ ભારતની નિકાસમાં અધધધ 45 ટકા જેવો માતબર ઉછાળો આવ્યો છે. જે સૂચવે છે હવે ભારતની બજાર ટનાટન છે. અર્થતંત્ર પણ વધુ મજબૂત થવાની દિશામાં છે.

ઓગસ્ટ મહિનામાં ભારતની નિકાસમાં 45.76 ટકાનો ઉછાળો નોંધાયો છે. ગયા મહિને ભારતની કુલ નિકાસ 33.28 અરબ ડોલર હતી. આ નિકાસમાં એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી અને કેમિકલ્સનું ભારે યોગદાન છે. જો કે ગયા મહિને આયાતમાં વધારો થવાને કારણે વેપાર ખાધ 4 મહિનાની ઉંચી સપાટીએ પહોંચી હતી અને 13.81 અરબ ડોલર રહી હતી.

ઓગસ્ટ મહિનામાં ભારતની નિકાસમાં 45.76%નો ઉછાળો

નોંધાયો, અર્થતંત્રને નિકાસનું મજબૂત પીઠબળ મળ્યું

ઓગસ્ટમાં કુલ આયાતમાં 51.72 ટકાનો ઉછાળો આવ્યો હતો અને આ આંકડો 47.09 અરબ ડોલર હતો. ઓગસ્ટ 2020માં દેશની કુલ આયાત 31.03 અરબ ડોલર હતી. વાણિજ્ય મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ઓગસ્ટ 2020માં દેશની વેપાર ખાધ 8.2 અરબ ડોલર હતી, જે વધીને 13.81 અરબ ડોલર થઈ ગઈ છે. એપ્રિલ 2021માં દેશની વેપાર ખાધ 15.10 અબજ ડોલર હતી અને તેના પછી આ સૌથી વધુ છે.

વર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલ-ઓગસ્ટ વચ્ચે કુલ વેપાર ખાધ 55.54 અરબ ડોલર હતી, જે ગયા વર્ષના સમાન ગાળામાં 23.35 અરબ ડોલર હતી. એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન કુલ નિકાસમાં 67.33 ટકાની વૃદ્ધિ નોંધાઈ અને 164.10 અરબ ડોલર રહી. આ દરમિયાન કુલ આયાત 80.89 ટકા વધીને 219.63 અરબ ડોલર થઈ.