લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, જુલાઈ 2026 |
3663
ગુજરાતના માછીમાર સમુદાયને મોટી રાહત આપતા રાજ્ય સરકારે યાંત્રિક ફિશિંગ બોટમાં વપરાતા ડીઝલ પર મળતી વેટ રાહત યોજનામાં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા આ ર્નિણયથી હવે રાજ્યની તમામ યાંત્રિક ફિશિંગ બોટોને ડીઝલ પર વેટ રાહતનો લાભ મળશે.અગાઉ આ યોજનાનો લાભ માત્ર ૨૦ મીટરથી ઓછી લંબાઈ ધરાવતી યાંત્રિક બોટોને જ મળતો હતો. હવે આ મર્યાદા સંપૂર્ણપણે દૂર કરવામાં આવતા ડીપ-સી ફિશિંગ બોટો સહિત તમામ નોંધાયેલી યાંત્રિક બોટોને યોજનાનો લાભ મળશે. મંત્રીમંડળના ર્નિણયની માહિતી આપતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આ ર્નિણયથી રાજ્યની ૧૮ હજારથી વધુ નોંધાયેલી યાંત્રિક ફિશિંગ બોટોને સીધો આર્થિક લાભ મળશે અને માછીમારોના ડીઝલ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે.
માછીમારોની આવક વધારવા રાજ્ય સરકારનો પ્રયાસ
સરકારના મતે નાના મધ્યમ અને મોટા તમામ વર્ગના માછીમારોને સમાન લાભ મળવાથી તેમના દૈનિક ડીઝલ ખર્ચમાં ઘટાડો થશે. પરિણામે માછીમારોની આવકમાં વધારો થશે અને દરિયાઈ મત્સ્ય ઉદ્યોગને પણ નવી ગતિ મળશે.ગુજરાત દેશના અગ્રણી દરિયાકાંઠા ધરાવતા રાજ્યોમાંનું એક છે અને રાજ્યના હજારો પરિવારોનો જીવનનિર્વાહ માછીમારી પર આધારિત છે. ડીઝલ ખર્ચ માછીમારો માટે સૌથી મોટો ખર્ચ હોવાથી સરકારનો આ ર્નિણય તેમના માટે મહત્વપૂર્ણ રાહતરૂપ બનશે.
રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર નોંધણી ફરજિયાત
સરકારે સ્પષ્ટ કર્યું છે કે યોજનાનો લાભ મેળવવા માટે બોટની રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર નોંધણી અને માન્ય ફિશિંગ લાયસન્સ ફરજિયાત રહેશે.હજુ સુધી નોંધણી કે લાયસન્સ ન મેળવેલા માછીમારોને તાત્કાલિક પ્રક્રિયા પૂર્ણ કરવા અપીલ કરવામાં આવી છે.
પ્રતિ લિટર રૂ.૧૫ સુધી રાહત મળશે
નવી જાેગવાઈ મુજબ પાત્રતા ધરાવતી યાંત્રિક બોટોને સરકાર દ્વારા ડીઝલ કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડના આધારે માછીમારોને પ્રતિ લિટર મહત્તમ રૂ.૧૫ સુધીની વેટ રાહત મળશે. જાે વેટની રકમ રૂ.૧૫ કરતાં ઓછી હશે તો વાસ્તવિક વેટ જેટલી જ સબસિડી આપવામાં આવશે.