લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓગ્સ્ટ 2026 |
2772
દક્ષિણ કાશ્મીરના કુલગામમાં ૨ હિંદુ મજૂરોની હત્યા આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના આતંકવાદીઓએ કરી છે. આ માહિતી ગુપ્તચર સૂત્રોએ આપી છે. આ ફ્રન્ટ લશ્કર-એ-તૈયબા સાથે જાેડાયેલું છે. સૂત્રોએ જણાવ્યું કે આ ઘટનાને આતંકવાદી મોહમ્મદ લતીફે અંજામ આપ્યો છે. આ જ આતંકવાદીએ ૨૨ જુલાઈના રોજ અનંતનાગમાં હેડ કોન્સ્ટેબલ આશિક હુસૈન કુરેશીની લાલ ચોક વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરી હતી.
શુક્રવારે રાત્રે ૮:૩૦ વાગ્યે કુલગામના કેલામમાં આતંકવાદીઓએ ઈંટ-ભઠ્ઠા પર કામ કરી રહેલા ૨ હિંદુ મજૂરોને નામ પૂછીને ગોળી મારી દીધી હતી. પોલીસને આ માહિતી ઘટનાસ્થળે હાજર અન્ય મજૂરોએ આપી. બંને મૃતક છત્તીસગઢના રહેવાસી હતા. આ હત્યાઓ પહેલગામ જેવા પેટર્ન પર કરવામાં આવી હતી. ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજપહેલગામમાં આતંકી હુમલો થયો હતો. તેમાં આતંકીઓએ ૨૬ પર્યટકોને તેમનો ધર્મ પૂછીને મારી નાખ્યાં હતા.
લતીફ અને તેનો સાથી બાઇક પર પ્રવાસી મજૂરો પાસે પહોંચ્યા હતા. તેમણે ઓળખપત્રો તપાસ્યા અને ખૂબ નજીકથી ગોળીબાર કર્યો. સ્થાનિક લોકોના મતે, તેમણે ૧૦-૧૨ રાઉન્ડ ફાયરનો અવાજ સાંભળ્યો. લતીફે આ હુમલો એટલા માટે કર્યો જેથી તે સંદેશ આપી શકે કે તેનું મોડ્યુલ હજુ પણ સક્રિય છે ગુપ્તચર સૂત્રોનું માનવું છે કે આ ગોળીબારનું કાવતરું સરહદ પાર બેઠેલા લશ્કરના હેન્ડલરોએ રચ્યું હતું. શંકા મુખ્યત્વે સજ્જાદ જટ્ટ/સૈફુલ્લા પર છે, જે પાકિસ્તાનમાં રહેતો જૈશનો સિનિયર હેન્ડલર છે.