લોકોને ઘરવિહોણાંમાંથી ઘરવિહોણાં અરજીકર્તા બનાવી દેવાયા છે : મ્યુનિસિપલ કમિશનર નાગરાજન અને ડીસીપી નકુમ હજુ તેમનાં પદ ઉપર કેમ છે ?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, ઓગ્સ્ટ 2026  |   693

સુરત મહાનગર પાલિકાનાં વહિવટી સત્તાધીશો તેમજ રાજ્ય સરકારની ઉંઘ હરામ કરી મૂકનાર નાસિરનગરનાં ગેરકાયદે સ્પોન્સર્ડ ડીમોલિશનકાંડમાં હાઇકોર્ટે આજે ફરી એકવાર મ્યુનિસિપલ કમિશનર નાગરાજન અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં નાયબ કમિશનર નકુમ મુદ્દે આકરાં શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. ગેરકાયદે ડીમોલિશનમાં ખોટું થયું હોવાનું માનીને જ રાજ્ય સરકારે જ્યારે હાઇલેવલ કમિટીની રચના કરી છે તો પછી મ્યુનિસિપલ કમિશનર અને એસ.ઓ.જી.નાં ડીસીપી નકુમ હજુ તેમની પોસ્ટ ઉપર કેમ જારી રહ્યાં છે તેવો આકરો સવાલ હાઇકોર્ટે કર્યો હતો. જુનિયર અધિકારીઓ કે કર્મચારીઓ નિષ્પક્ષપણે નિવેદન કેવી રીતે આપી શકશે, રાજ્ય સરકાર પણ આ બંને સીનિયર અધિકારીઓને તેમની પોસ્ટ ઉપર જારી રાખવાનું વલણ કેવી રીતે રાખી શકે છે તેવા તીખાં સવાલો હાઇકોર્ટે કર્યાં હતાં. આજની સુનાવણીમાં હાઇકોર્ટે કડક શબ્દોમાં કરેલી ટીપ્પણીને કારણે મ્યુનિસિપલ કમિશનર નાગરાજન અને ડીસીપી નકુમની બદલી નહીં કરવામાં સરકાર હજુ પણ મક્કમતા દાખવશે કે કેમ તેવો સવાલ મહાનગર પાલિકા તેમજ પોલીસ તંત્રમાં ચર્ચાઇ રહ્યો હતો.

હાઇકોર્ટમાં આમ તો આજે મુખ્ય મુદ્દો નાસિરનગરનાં અસરગ્રસ્તોનાં પુનર્વસન બાબતનો હતો. સુરત મહાનગર પાલિકા તરફે એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું કે, સરકારનાં ઇડબલ્યુએસ આવાસોની સ્કીમમાં અસરગ્રસ્તોને આવાસો ફાળવવાની યોજના છે જેમાં ડિપોઝિટ ઉપરાંત ૫.૫૦ લાખ રૂપિયાનું મકાન થાય છે જે સ્વૈચ્છિક સંસ્થા ચૂકવવા તૈયાર છે. જાે કે, પુનર્વસનનાં મુદ્દા વચ્ચે ગેરકાયદે ડીમોલિશનનો મુદ્દો પણ ચર્ચાયો હતો જેમાં જસ્ટિસ નિખિલ કેરિયલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ડીમાર્કેશનનાં નામે કરવામાં આવેલું ડીમોલિશન તદ્દન ગેરકાયદે છે. ડીમાર્કેશન કે ડીમોલિશન બંને બાબતે કોઇ પણ પ્રકારનો હુકમ થયો ન હતો. જાે ડીમાર્કેશન માટે મનપાની ટીમ ગઇ હતી તો હેવી મશિનરી સાથે કેમ ગઇ હતી અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં ડીસીપી લેવલનાં અધિકારીની હાજરી સ્થળ ઉપર કેમ હતી. આ દર્શાવે છે કે ડીમોલિશનની કામગીરી પૂર્વયોજિત કવાયત હતી. આવા કિસ્સામાં જવાબદાર સીનિયર અધિકારીઓને તેમની જગ્યાએ જારી નહીં રાખીને સરકારે જ ધારાધોરણ સેટ કરવા જાેઇએ. પરંતુ જેમની સામે નિષ્કાળજી અને મેળાપીપણાનાં ગંભીર આક્ષેપો થયાં હોય તેવા મ્યુનિસિપલ કમિશનર અને એસ.ઓ.જી.નાં ડીસીપી હજુ સુધી તેમની પોસ્ટ ઉપર જારી કેમ છે, જુનિયર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે ત્યારે સીનિયર અધિકારી સાથે અલગ વલણ કેમ દાખવવામાં આવ્યું છે, ખરેખર તો સીનિયર અધિકારી હોવાથી તેમની સામે પહેલાં જ પગલાં લેવા જાેઇએ, જ્યારે હાઇલેવલની તપાસ હાથ ધરાઇ છે અને સીનિયર અધિકારીઓની ભૂમિકા ચકાસવાની આ હાઇલેવલ કમિટીની જવાબદારી છે ત્યારે જેમની સામે આક્ષેપો થયાં છે તેવા મ્યુનિસિપલ કમિશનર અને ડીસીપી નકુમ હજી સુધી તેમની ફરજની જગ્યાએ કેમ જારી છે તેવો ચોટદાર સવાલ હાઇકોર્ટે કર્યો હતો.

આટલાં ગંભીર પ્રકરણની તપાસ ચાલુ હોય ત્યાં સુધી સીનિયર અધિકારીઓને તેમની પોસ્ટ ઉપર જારી રાખી શકાય નહીં. જુનિયર અધિકારી, કર્મચારીઓનાં નિવેદન લેવાના હોય અને સીનિયર અધિકારી તેમની પોસ્ટ ઉપર હોય ત્યારે તેઓ નિષ્પક્ષ નિવેદન આપી શકે નહીં અને જાે સીનિયર અધિકારી પોસ્ટ ઉપર જારી હોય તો તેવી તપાસ તથ્ય વિનાની બોગસથી વિશેષ નહીં હોય.

મી.નાણાવટી તમે કોર્ટ સાથે સહમત ના હોવ તો કોર્ટની બહાર જાવ

નાસિરનગરનાં ગેરકાયદે ડીમોલિશન પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જસ્ટિસ નિખિલ કેરિયલ રાજ્ય સરકાર તેમજ સુરત મહાનગર પાલિકાનાં વહિવટી સત્તાધીશો સામે આકરૂ વલણ અખત્યાર કરી રહ્યાં છે. આજે પણ તેમણે સરકાર અને સુરત મહાનગર પાલિકા સામે કડક ટીપ્પણીઓ કરી હતી ત્યારે સીનિયર એડવોકેટ નાણાવટીએ કોઇ મુદ્દો ઉભો કરતાં જસ્ટિસ અકળાઇ ઉઠ્યાં અને કહ્યું કે, મીસ્ટર નાણાવટી જાે તમે કોર્ટ સાથે સહમત ના હોવ તો કોર્ટની બહાર જઇ શકો છો, તમારા એક્સપર્ટ ઓપિનિયનની જરૂર નથી. જસ્ટિસનાં શબ્દોથી એડવોકેટ જનરલ તેમજ સરકારી વકિલ પણ એક તબક્કે તો સ્તબ્ધ બની ગયાં હતાં.

કમિશનરને રીવોર્ડ આપો, મોટા શહેરમાં મૂકો પણ હાલની જગ્યાએ જારી રાખો નહીં

હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જેમાં મેળાપીપણાની આશંકા હોવાથી સરકારે હાઇલેવલની તપાસ સમિતિ નીમી છે ત્યારે સીનિયર અધિકારીને તેમની હાલની જગ્યાએ રાખી શકાય નહીં. નોટિસ વિના ડીમાર્કેશનની કામગીરી પણ ના હોય ત્યારે કોઇ પણ હુકમ વિના ડીમોલિશન કરી નાંખવામાં આવ્યું છે, બુલડોઝર લઇને જાવ અને ૧૦ મિનિટમાં મકાનો ખાલી કરવાનું કહેવામાં આવે તે કેટલું યોગ્ય છે. ગેરકાયદે કામને કાયદેસર બનાવાય નહીં, બે મહિના પછી ડીમોલિશનને કાયદેસર કહેવા માંગો છો, આ એક રીતે પોસ્ટફેક્ટો મંજૂરીની વાત છે. મ્યુનિસિપલ કમિશનરે સારી કામગીરી કરી હોય તો તેમને રીવોર્ડ આપો અને મોટા શહેરમાં મૂકો પરંતુ હાલની જગ્યાએ જારી રાખો નહીં તેવું ચોખ્ખેચોખ્ખું એડવોકેટ જનરલને હાઇકોર્ટે સંભળાવી દીધું હતું. માત્ર એટલું જ નહીં પરંતુ જસ્ટિસે તો ત્યાં સુધી કહ્યું હતું કે, મેળાપીપણાનાં આવા ગંભીર કેસમાં કે જેમાં સાબિત થાય તો મોટી પેનલ્ટી અને પનિશમેન્ટની કાયદામાં જાેગવાઇ છે તેમાં તપાસ જારી હોય અને તેમ છતાં અધિકારીને તે જગ્યા ઉપર જારી રાખવામાં આવ્યાં હોય તેવો એક કિસ્સો બતાવી આપો તો તેમનો આદેશ પાછો ખેંચી લઉ.

હાઇકોર્ટનાં આકરાં વલણ બાદ મ્યુનિસિપલ કમિશનરનો મૂડ ઓફ થઇ ગયો: ખાડીપૂરની મીટિંગ સાત મિનિટમાં પૂરી કરી દીધી

નાસિરનગરનાં ગેરકાયદે ડીમોલિશનકાંડમાં હાઇકોર્ટનાં જસ્ટિસ નિખિલ કેરિયલે રાજ્ય સરકારનાં વલણ અંગે આકરી ટીકા કરીને નિષ્કાળજી તેમજ મેળાપીપણાનાં ગંભીર આક્ષેપો હોવા છતાં મ્યુનિસિપલ કમિશનર નાગરાજન અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપનાં ડીસીપીને હાલનાં તેમના પદ ઉપર કેમ જારી રાખવામાં આવ્યાં તેવો સવાલ પૂછ્યો હતો. જુનિયર અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે અને સીનિયર અધિકારી સામે કોઇ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી, શું સીનિયર અધિકારી છે એટલા માટે તેમની સામે કાર્યવાહી કરાઇ નથી. સરકાર આવી નીતિ અપનાવીને કેવી કાર્યપ્રણાલી સ્થાપિત કરવા માગે છે તેવો સવાલ પણ જસ્ટિસે પૂછ્યો હતો. હાઇકોર્ટનાં આવા તેવર બાદ મ્યુનિસિપલ કમિશનર નાગરાજનનો મૂડ ઓફ થઇ ગયો હોય તેવું સ્પષ્ટ જણાઇ આવ્યું હતું. ખાડીપૂરની મહત્વની મીટિંગ પણ તેમણે માત્ર ગત મીટિંગની મિનિટ્સ સાંભળી કામગીરી કરવાની સુચના આપી માત્ર સાત મિનિટમાં પૂરી કરી દીધી હતી જ્યારે અર્બન ગ્રીનિંગની મીટિંગ ૧૦ મિનિટમાં પૂરી કરી દીધી હતી.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution