લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, સપ્ટેમ્બર 2026 |
2079
અમદાવાદની સોલા હાઈકોર્ટ પોલીસે સુરેન્દ્રનગરના પાટડીમાંથી માસૂમ બાળકનું અપહરણ કરનાર મહિલાને ઝડપીને બાળકને હેમખેમ ઉગારી લીધું છે. બાળકને ઉઠાવીને અમદાવાદ લાવવામાં આવ્યું હોવાની બાતમી અને સીસીટીવી ફૂટેજના આધારે સોલા પોલીસે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને અપહૃત બાળકને હેમખેમ મુક્ત કરાવ્યો છે. આ સાથે જ બાળકનું અપહરણ કરનાર મહિલાને રંગેહાથ ઝડપી પાડવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલી મહિલાએ ભીખ મંગાવવાના આશયથી માસૂમ બાળકનું અપહરણ કર્યું હોવાની ચોંકાવનારી કબૂલાત કરતાં પોલીસે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. પાટડી બસ સ્ટેશન સામે ફૂટપાથ પર પરિવાર સાથે રહેતા શ્રમજીવી પિતાનો ચાર વર્ષનો પુત્ર બુધવારે સવારે આશરે સાડા ૧૦ વાગ્યાના અરસામાં અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવારજનોની શોધખોળ બાદ પણ બાળક ન મળતાં આ મામલે પાટડી પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન આસપાસના સીસીટીવી કેમેરામાં એક શંકાસ્પદ મહિલા આ બાળકને હાથ પકડીને લઈ જતી કેદ થઈ ગઈ હતી. જેના પગલે પાટડી પોલીસે તાત્કાલિક બાળકના વર્ણન અને સીસીટીવી ફૂટેજ સાથેનો ઇમરજન્સી બ્રોડકાસ્ટ મેસેજ અમદાવાદ શહેર કંટ્રોલ રૂમ સહિત તમામ પોલીસ મથકોને રવાના કર્યો હતો. મેસેજ મળતાં જ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ પોલીસે નાકાબંધી અને સઘન પેટ્રોલિંગ શરૂ કર્યુ હતું. પોલીસ જવાનોએ શંકાસ્પદ વિસ્તારો અને ભીડભાડવાળી જગ્યાઓ ખૂંદી વળતાં રોડ પર એક મહિલા સાથે સીસીટીવીમાં દેખાયેલા વર્ણનવાળા બાળકને જાેઈ લીધો હતો. પોલીસે ઘેરાબંધી કરીને મહિલાને તાત્કાલિક અટકાયતમાં લઈ લીધી હતી અને બાળકની સુરક્ષિત રીતે અટક કરી હતી. પકડાયેલી મહિલાની ઓળખ મીનાબેન ઉર્ફે રમીલા, ઉર્ફે રીની, જગદીશ ઉર્ફે જીગો દેવાભાઈ નાથબાવાએ કબૂલાત કરી હતી કે રસ્તાઓ અને ટ્રાફિક સિગ્નલ પર લોકો પાસેથી સહાનુભૂતિ મેળવી વધુ ભીખ મંગાવવાના ઇરાદાથી તેણે પાટડીથી એકલા રમી રહેલા માસૂમ બાળકનું અપહરણ કર્યું હતું.