લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, જુલાઈ 2026 |
4752
આડતથી વેચાણ માટે ૭૪.૮૭ લાખનાં હીરા લઇ ગયા બાદ પેમેન્ટની જગ્યાએ ધાક ધમકી આપનાર રિદ્ધિ ડાયમંડ તથા રિદ્ધિ સિદ્ધિ ડાયમંડ નામે ધંધો કરતા માંગુકિયા પરિવાર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. મળતી માહિતી અનુસાર સિંગણપોર ચાર રસ્તા પાસે રાજદીપનગરમાં રહેતા ચિરાગ ડુંગરશીભાઈ સવાણી હીરાનો વેપાર કરે છે. ભાવનગરનાં વલ્લભીપુર તાલુકાનાં વતની ચિરાગ કતારગામ અમરોલી રોડ ઉપર “સી. જેનીલ કુમાર એન્ડ કુ." નામથી વિશાલ સવાણી અને ડાહ્યાભાઇ સવાણી સાથે કુદરતી હિરાનું મેન્યુફેકચરિંગ તેમજ ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટનું કામકાજ કરે છે. ચિરાગ પાંચ છ વર્ષ પહેલા ગૌરાંગ લાખાભાઇ માંગુકિયા સાથે હીરા વેચાણનું કામ કરતો હતો. ત્યારબાદ ગૌરાંગ હોંગકોંગ જઇ રિદ્ધિ સિદ્ધિ ડાયંમડ નામથી વેપાર કરવા માંડ્યો હતો.
ગૌરાંગ માંગુકિયા એ વોટ્સએપથી ચિરાગ સવાણીનો સંપર્ક કરી જણાવ્યું હતું કે, મારા પરિવારનાં અરવિંદભાઈ, ઉમંગ તથા કાનજી મુંબઈ અને સુરત મુકામે રિદ્ધિ ડાયમંડ નામથી ધંધો કરે છે. તેઓની જરૂરિયાત અનુસારનો માલ તારી પાસે હોય તો તેમને આપજે. એ માલ હું હોંગકોંગમાં વેચી પેમેન્ટ કરાવી આપીશ. પેમેન્ટની જવાબદારી લેવા સાથે ગૌરાંગે ૩% આડત આપવાની શરત પણ મૂકી હતી. ત્યારબાદ અરવિંદ માંગુકીયાએ ચિરાગને ફેક્ટરીએ મળવા ગયા હતાં. તેમણે કટ એન્ડ પોલીશ્ડ હીરાની ડિમાન્ડ કરી હતી. એ સમયે સવાણી પાસે હતો એ માલ બતાવ્યો હતો. માંગુકિયાએ ૨૪૯.૨૨૦ કેરેટ હીરા પસંદ કર્યા હતા. ૭૪,૮૬,૫૬૮ રૂપિયા કિંમતનાં હીરા ૧૨ ઓગષ્ટ, ૨૦૨૪નાં રોજ અરવિંદને જાંગડ પર અપાયા હતાં.
ત્યારબાદ પણ ધણો સમય વીતી જવા છતા અરવિંદે હીરા બાબતે કોઇ જવાબ આપ્યો ન હતો. દરેક કોલમાં અલગ અલગ બાહાના બનાવી તેઓ સમય પસાર કરતાં રહ્યાં હતાં. જેથી સવાણીએ ગૌરાંગનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી હતી. જેમાં ગૌરાંગે ઉશ્કેરાઇ જઇ મે કે મારા કારાએ આવો કોઇ માલ ખરીદ્યો નથી, કે આડતથી વેચાણ માટે લીધો નથી એમ કહેતાં સવાણી આઘાત પામ્યો હતો.
ત્યારબાદ ચિરાગનાં પિતા ડુંગરશીભાઇ તથા મુંબઈ ઓફિસમાં સેલ્સ વિભાગ સંભાળતા રાકેશ કાજાવદરા ૭૪.૮૭ લાખની ઉઘરાણી માટે રિદ્ધિ ડાયમંડ અને રિદ્ધિ સિદ્ધિ ડાયમંડનાં પાર્ટનર કાનજી તથા ઉમંગ પાસે ગયા હતાં. તેઓએ પણ પેમેન્ટની જગ્યાએ ધાક ધમકી આપી હતી. જેથી ચિરાગ સવાણીએ આખરે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી હતી.