લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ઓગ્સ્ટ 2026 |
990
ગુજસીટોક હેઠળ જેલવાસ ભોગવી રહેલા રાહુલ મંડળ સતીષની હત્યા કરાવવા રઘવાયો બન્યો હતો. તેણે સતીષને મારી શકે એવા આઠ દસ લોકોને ભેગા કરી ટોળકી બનાવી હતી. આ ટોળકીએ હત્યા માટે કરેલા બે પ્રયાસ નિષ્ફળ જતાં મંડળે પાંડેસરાનાં નામચીન આર.કે.ને પોતાના કાવતરામાં સામેલ કર્યો અને પછી કામ પુરુ કર્યું હતું. સતીષની હત્યામાં વોન્ટેડ જાહેર કરાયેલા આ આર.કે. પાંડેસરામાં તોફાન કરતાં ઝડપાયો હતો. આ કેસમાં પોલીસે કેતન, રાહુલ, કરણ, અજીત, આકાશ અને આર.કે. એમ છ જણાનાં પાંચ દિવસ રિમાન્ડ મેળવ્યાં છે. સૂર્યા મરાઠીની હત્યા જેમ જ સતીષને મારવા માટે રાહુલ મંડલે માથાભારે ઝનૂની યુવકો શોધીને ગેંગ બનાવી હતી
ભેસ્તાનના સરસ્વતી આવાસમાં બુધવાર, પાંચમી ઓગસ્ટે બપોરે સતીષ સુરેશભાઇ ઘાડગેની હત્યા કરાઇ હતી. પોલીસે પ્રાથમિક તપાસ બાદ તેના ભાઈ હિતેષની ફરિયાદ લઇ કેતન ઉર્ફે સન્ની સુધાકર શિરસાઠ, આકાશ ઉર્ફે બટકો બગમાનજી ઠાકુર, રાહુલ ઉર્ફે બટકો જગદેવ દુબે, કરણકુમાર ઉર્ફે પિદુલ હિરામણી દુબે, અરુણ સુરેશભાઇ યાદવ, અજીત ભોલાભાઇ ગોસ્વામી, રાજ સંજયભાઇ પવાર, બંટી ઉર્ફે બટકો અશોકભાઇ પટેલ વિગેરે સામે ગુનો નોંધ્યો હતો.
હત્યાની ઘટના ઘટી એ સાથે જ ભેસ્તાન પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની ટીમ હુમલાખોરોને શોધી કાઢવા કામે લાગી હતી. સીસી કેમેરા ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સથી એવી માહિતી મળી કે આ ટોળકી બારડોલી, વ્યારા થઈ મહારાષ્ટ્ર તરફ ભાગી રહી છે. જેથી તુરંત વ્યારાનાં ડીએસપીનો સંપર્ક કરી સ્થાનિક પોલીસ અને એલસીબીની મદદ લેવાઇ હતી. જેમાં સોનગઢથી ઉચ્છલ જતાં રસ્તા ઉપર નાકાબંધી કરી હુમલાખોરોને ઝડપી લેવાયા હતાં. આ ટોળકી પાસેથી પાસેથી દેશી હાથ બનાવટની બે પિસ્ટલ, એક ખાલી મેગ્ઝીન, એક તમંચો અને ત્રણ મોપેડ કબજે લેવાયાં હતાં.
આ ટોળકીનાં પ્રાથમિક તપાસમાં બહાર આવેલી માહિતીનાં આધારે મુખ્ય કાવતરાખોર રાહુલ મંડલ અને રાહુલ બબ્બન કાપુરે ઉર્ફે આર.કે ને વોન્ટેડ જાહેર કરાયા હતાં. આ દરમિયાન પાંડેસરા પોલીસને એક વ્યક્તિ નશા જેવી હાલતમાં તોફાન કરી રહ્યો હોવાનો કોલ મળ્યો હતો. ઇન્સ્પેક્ટર કે. ડી. જાડેજાએ સર્વેલન્સ સ્ક્વોડને મોકલી અને એ યુવક પકડાઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં એ યુવકનું નામ રાહુલ ઉર્ફે આર.કે. બબન કાપુરે (ઉ.વ.૨૯ રહે. બિ.નં-૦૧, રૂમ ન.૧૯, ન્યુ સુડા આવાસ, બાટલી બોય, પાંડેસરા) હોવાનું જણાયું હતું. જાડેજાએ કરેલી વધું તપાસમાં તે સતીષ મરાઠીની હત્યામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું. ભેસ્તાન પોલીસ સાથે આ બાબતે ખરાઈ કર્યા બાદ હત્યા કેસની તપાસ માટે તેને સોંપાયો હતો.
આ રીતે હત્યા કેસમાં પોલીસ પાસે ત્રણ સગીર ઉપરાંત કેતન ઉર્ફે સન્ની, રાહુલ બટકો, કરણ ઉર્ફે પિદુલ, અજીત ગોસ્વામી, આકાશ બટકો અને આર.કે. એમ છ આરોપી થયા હતાં. આ તમામને કોર્ટમાં રજુ કરી પાંચ દિવસ રિમાન્ડ મેળવાયા હતાં. તપાસમાં એવી વાત બહાર આવી હતી કે સતીષની હત્યાના કાવતરામાં પહેલા આર.કે સામેલ ન હતો. જાે કે, કેતન અને રાહુલની આગેવાનીમાં બે વખત કરાયેલા હુમલામાં સતીષ બચી ગયો હતો.
જેથી મુખ્ય કાવતરાખોર રાહુલ મંડલે જેલમાંથી પાંડેસરાનાં નામચીન ટપોરી આર.કે.નો સંપર્ક કર્યો અને પોતાના પ્લાનમાં સામેલ કર્યો હતો. આ રીતે બનેલી ટોળકીએ કોઈ પણ સંજાેગોમાં સતીષ બચે નહીં એ માટે બે પિસ્તલ અને એક તમંચો પણ રાખ્યો હતો. જાે કે તેમને ફાયરિંગની ફાવટ આવી ન હતી. આખરે આ ટોળકીએ કોયતાથી સતીષનું કામ તમામ કરી નાંખ્યું હતું.
હત્યા માટે કુહાડી, કોયતા અને છરા ભાગળથી ખરીદ્યા
સતીષ મરાઠીની હત્યાના બે પ્રયાસ નિષ્ફળ ગયા બાદ રાહુલ મંડલે આ વખતે ફૂલપ્રૂફ પ્લાન બનાવ્યો હતો. બે મહિના અગાઉ કેતન ઉર્ફે સન્ની તથા રાહુલ બટકો લાજપોર જેલમાં રાહુલ મંડલને મળવા પણ ગયા હતાં. એ સમયે તેણે ઝનૂની યુવકો તથા તરૂણોને ભેગા કરી પિસ્તલ, તમંચા સાથે ધારદાર હથિયારોની પણ સગવડ કરવા વિશેષ સૂચના હતી. પોલીસના જણાવ્યા અનુસાર હત્યા માટે કુહાડી, કોયતા અને છરા ભાગળ વિસ્તારની દુકાનમાંથી ખરીદવામાં આવ્યા હતાં. આ હથિયારો પૈકી એક કોયતો અને છરો સ્થળ પરથી મળી આવ્યો હતો. બાકીના હથિયાર શોધવા ઉપરાંત પોલીસ એ જાણવા માટે પણ કવાયત કરી રહી છે કે, સતીષનું લોકેશન હુમલાખોરોને કોણે આપ્યું હતું.