રાજકોટ-

રોજકોટ શહેરના મવડી વિસ્તારમાં નેચરોપેથી સેન્ટર ઓઠા હેઠળ ચાલતા ગર્ભ પરીક્ષણ ગોરખધંધા પર પોલીસે દરોડો પાડી ત્રણ શખ્સને ઝડપી લીધા હતા. ધોરણ-૧૦ નાપાસ ત્રણેય શખ્ત છેલ્લા આઠ મહિનાથી ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરાવતા હતા, સગર્ભાનું ચેકિંગ કર્યા બાદ તેના સ્વજનો પાસેથી મસમોટી રકમ પડાવતા હતા. આઠ મહિનાથી ચાલતા આ સેન્ટરમાં મહિને ૨૦ જેટલા પરીક્ષણ કરવામાં આવતા હતા.

મળતી માહિતી મુજબ મવડી મેઈન રોડ પર બાપા સિતારામ ચોક નજીક હરીઓમ એક્યુપ્રેશર એન્ડ નેચરોથેરાપી સેન્ટરના ઓઠા નીચે ધમધમતું ગેરકાયદેસર ગર્ભપરીક્ષણ અને ગર્ભપાત કરાવી આપવાની વ્યવસ્થાનું મસમોટું કારસ્તાન એસઓજીએ ઝડપી લઈ ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. છેલ્લા આઠેક માસથી આ ટોળકી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરી દર્દી પાસેથી મસમોટી રકમ વસુલતી હોવાનું જણાવ્યું હતું.

પોલીસે જણાવ્યું કે, આરોપીઓએ માધ્યમિક શિક્ષણ સુધીનો અભ્યાસ કર્યો છે, આ સિવાય તેમની પાસે કોઈ ડિગ્રી નથી. ત્રણેય આરોપીઓ અગાઉ ડોક્ટરને ત્યાં નોકરી કરતા હતા. જેનો અનુભવ કામે લઈ ગેરકાયદેસર ગર્ભપરીક્ષણ શરૃ કર્યું હતું. આરોપી અમિત અને દિનેશ અગાઉ મધુરમ હોસ્પિટલમાં, જ્યારે અવેશ ધોરાજીમાં ગાયનેક ડો.ફળદુને ત્યાં નોકરી કરતો હતો. ત્રણેય આરોપીઓ કઈ રીતે ગર્ભ પરીક્ષણ કરવું તે શીખી ગયા હતા, જેને કારણે હરીઓમ નેચરોથેરાપી સેન્ટરના ઓઠા નીચે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ શરૃ કર્યું હતું. એટલું જ નહીં જો દીકરી હોય તો ગર્ભપાત કરાવવાની પણ વ્યવસ્થા કરી આપતા હતા. આ વ્યવસ્થા કઈ જગ્યાએ કરી આપતા તેની તપાસ પોલીસ કરી રહી છે. જે સ્થળે પોલીસે દરોડો પાડયો તે જગ્યા અમિતની છે. તે એક્યુપ્રેશર થેરાપી પણ જાણે છે. બાકીના બે આરોપીઓ દિનેશ અને અવેશ પેશન્ટ શોધીને લઈ આવવાનું મુખ્યત્વે કામ કરતા હતા. એસઓજીએ મનપાના આરોગ્ય શાખાના અધિકારી ડો.લલિત વાઝાની ફરિયાદ પરથી આરોપીઓ સામે તાલુકા પોલીસ મથકમાં પી. સી. એન્ડ પી.એન્ડ પી.ટી. એક્ટ ૧૯૯૪ની કલમો ઉપરાંત આઈપીસી કલમ ૩૧૫ અને ૩૧૧ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.