લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, ઓક્ટોબર 2026 |
2376
રાજ્યના ખેડૂતોના હિતમાં કૃષિ વિભાગ દ્વારા બે મહત્ત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણીની મુદત ૧૫ દિવસ વધારીને ૨૪ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી લંબાવવાની જાહેરાત કરી છે. આ ર્નિણયથી મગફળી, મગ, સોયાબીન અને અડદના ખેડૂતોને નોંધણી માટે વધારાનો સમય મળશે. બીજી તરફ, આગામી રવિ ઋતુમાં પ્રમાણિત બિયારણ, સીડ મિની કીટ અને નિદર્શન ઘટકોનો લાભ મેળવવા માટે ૪ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. રાજ્યમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની ઓનલાઇન નોંધણીની અંતિમ તારીખ અગાઉ ૯ ઓક્ટોબર નક્કી કરવામાં આવી હતી. જાેકે, ખેડૂતોને નોંધણી માટે વધુ સમય આપવાની માંગ સાથે વિવિધ સાંસદો, ધારાસભ્યો અને ખેડૂત પ્રતિનિધિઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે નોંધણીની મુદતમાં ૧૫ દિવસનો વધારો કરવાનો ર્નિણય કર્યો છે. હવે ખેડૂતો ૨૪ ઓક્ટોબર સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકશે. ખેડૂતોને આગામી રવિ ઋતુમાં ખેતી માટે જરૂરી પ્રમાણિત બિયારણ, સીડ મિની કીટ અને નિદર્શન ઘટકોનો લાભ મળી રહે તે માટે કૃષિ વિભાગે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂક્યું છે. ખેડૂતો ૪ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને સમયમર્યાદામાં અરજી કરીને લાભ મેળવવા અપીલ કરવામાં આવી છે.