મહુધા : મહુધાના કૈયજ ખાતેની ખેડૂતોએ મહુધાની એગ્રો એજંસી પાસેથી ખરીદેલાં બીયારણ કંપનીના પિકાડોર જાતના મરચીનું બીયારણ દ્વારા ગત જુલાઇ માસમાં ધરું નાખી વાવેતર કર્યા હતાં. જાેકે, બાદમાં અલગ જાતના મરચીના ફળ બેસતાં ખેડૂતોએ સમગ્ર મામલે ખેડા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું, જેનાં પગલે કંપનીએ સ્થળ તપાસ કરવા પોતાના પ્રતિનિધીઓને મોકલ્યાં હતાં. પ્રતિનિધિઓ અને ખેડૂતો વચ્ચે વિવાદ થતાં હોબાળો મચ્યો હતો. 

સૂત્રોના જણાવ્યાં મુજબ, કૈયજના ખેડૂત દ્વારા મહુધાને એગ્રો એજંસી પાસેથી પિકાડોર જાતનું બીયારણ ગત જૂન માસમાં ખરીદયું હતું. કંપનીની સલાહ મુજબ ઓગસ્ટ માસમાં તેનું ધરું ઉછેરી સપ્ટેમ્બર માસમાં તેની વાવણી કરી હતી. જાેકે, વાવણી કરી તેનાં વીસ દિવસ બાદ છોડ પર અલગ પ્રકારના ફળ જાેવાં મળતાં ખેડૂતો દ્વિધામાં મૂકાયાં હતાં. ખેડૂતોએ મહુધાની એગ્રો એજન્સીને જાણ કરતાં એજન્સી દ્વારા તાબડતોબ સ્થળ તપાસ કરી કંપનીને સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી. કંપની દ્વારા કોઇ નક્કર પગલાં ન ભરવામાં આવતાં સ્થાનિક ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારના સહયોગથી ખેડા કલેક્ટરને આવેદનપત્ર આપી સમગ્ર મામલે ખેડૂતોએ વળતરની માગણી કરી હતી. આખરે બીયારણ કંપની દ્વારા બુધવારના રોજ પોતાના પ્રતિનિધીઓને મોકલી ખેડૂતોની સમસ્યાનું સમાધાન લાવવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતાં. જાેકેે, છેલ્લાં એક માસથી હાથ ઉછીના અને પોતાની કાળી મહેનતથી બચાવેલ પૈસાથી ખેડૂતોએ માવજત કરીને ઉછેરવામાં આવેલ પાકમાં જાેઈતા પરિણામ ન મળતાં ઉશ્કેરાયેલાં ખેડૂતોએ પ્રતિનિધીઓને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. વિવાદ વધતાં સ્થાનિક ધારાસભ્યએ દરમિયાનગીરી કરી ખેડૂતોના હિતમાં વળતર ચૂકવવા કંપનીને તાકીદ કરી હતી. આખરે પ્રતિનિધીઓએ વળતર ચૂકવવાની લેખીત બાયધરી આપી હોવાનું જાણવા મળ્યું હતું.