મનપા અધિકારીઓનાં પાપે રહેણાંક વિસ્તાર નર્કાગાર બન્યો : કુમાર કાનાણી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓક્ટોબર 2026  |   3168

સુરત મહાનગરપાલિકા ખાતે શનિવારે સાંસદો અને ધારાસભ્યોની સંકલન બેઠક યોજાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલ સાથેની આ પ્રથમ સંકલન બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોના પ્રશ્નોને લઈને ધારાસભ્યોએ ઉગ્ર રજૂઆતો કરી હતી. બેઠકમાં ખાસ કરીને વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ રહેણાંક વિસ્તારોમાં ચાલતી હોટફિક્સની કામગીરી, પ્લાસ્ટિક વેસ્ટ, ગેરકાયદે કોમર્શિયલ પ્રવૃત્તિઓ અને ડમ્પરોના ન્યુસન્સનો મુદ્દો ઉઠાવી તંત્ર સામે આકરો રોષ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય કુમાર કાનાણીએ હોટફિકસ મુદ્દે ચીમકી આપતા કહ્યું હતું કે પ્રથમ સંકલન બેઠક છે એટલે રજૂઆત કરીએ છીએ, આગામી સંકલન બેઠકમાં આ મુદ્દે રજૂઆત ન કરવી પડે તેનું ધ્યાન રાખજાે.

શહેરના વરાછા, કતારગામ, સરથાણા, સીમાડા, પૂણા સહિતના વિસ્તારો માટે હોટ ફિક્સ પ્લાસ્ટિક વેસ્ટ માથાનો દુખાવો બની ચૂક્યો છે. થોડા સમય અગાઉ શરૂ થયેલી કામગીરી અને ગોઠવાયેલી હંગામી વ્યવસ્થા પછી પણ પરિસ્થિતિ ઠેરની ઠેર રહી ગઈ છે. આ મુદ્દો શનિવારે મ્યુનિ.ની સંકલન બેઠકમાં ફરી ચર્ચાનો વિષય બન્યો હતો. વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સંકલન બેઠકમાં કહ્યું હતું કે, હોટફિક્સની કામગીરીની શરૂઆત થઈ ત્યારે જ રહેણાંક વિસ્તારોમાં મશીનરી સ્થાપિત થતી અટકાવવી જરૂરી હતી. પરંતુ શરૂઆતથી જ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા આજે હોટફિક્સના પ્લાસ્ટિક વેસ્ટનો નિકાલ મનપા માટે માથાનો દુખાવો બની ગયો છે. શહેરના રસ્તાઓ પર અનેક સ્થળે હોટફિક્સના પ્લાસ્ટિક કચરાના ઢગલા જાેવા મળે છે અને તેને ઉઠાવવા માટે તંત્ર પણ લાચાર બન્યું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સુરતમાં હોટફિક્સની લગભગ ૫૦ ટકા કામગીરી રહેણાંક વિસ્તારોમાં ચાલી રહી છે. પુણા અને માતાવાડી સહિતના વિસ્તારોમાં રહેણાંક વિસ્તારોનું જાણે કોમર્શિયલ વિસ્તારોમાં રૂપાંતર થઈ ગયું હોય તેવી સ્થિતિ છે. સોસાયટીઓમાં ગોડાઉન, કોમર્શિયલ પ્રવૃત્તિઓ અને ગેરકાયદે ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યા છે, જેના કારણે સ્થાનિક રહીશોનું જીવવું મુશ્કેલ બન્યું છે અને સામાજિક સમસ્યાઓ પણ વધી રહી છે. કાનાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી તેઓ રહેણાંક વિસ્તારોમાં હોટફિક્સ મશીનો અને અન્ય બિનઅધિકૃત પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે સતત રજૂઆતો કરી રહ્યા છે. તેમ છતાં હજુ સુધી યોગ્ય કાર્યવાહી થઈ નથી. અધિકારીઓના પાપે આજે રહેણાંક સોસાયટીઓમાં ગોડાઉન અને ઉદ્યોગો ઊભા થઈ ગયા છે. હવે રહેણાંક વિસ્તારમાં ચાલતી તમામ બિનઅધિકૃત કોમર્શિયલ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી તેમણે માગ કરી હતી. છેલ્લે તેઓએ મનપા કમિશનર રાજકુમાર બેનિવાલને ચીમકી આપી દીધી હતી કે તમારી સાથે પ્રથમ સંકલન બેઠક છે એટલે રજૂઆત કરીએ છીએ કે આ મુદ્દાનો ઝડપથી નિકાલ લાવો, આગામી સંકલનમાં આ મુદ્દે રજુઆત ન કરવી પડે તેનું ધ્યાન રાખજાે તેમ રોકડું પકડાવી દીધું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution