લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ઓગ્સ્ટ 2026 |
1089
સુરત શહેરમાં હાલમાં નાસિરનગરનાં અસરગ્રસ્તોને આવાસ ફાળવવા માટે સુરત મહાનગરપાલિકા કમરકસી રહી છે પરંતુ બીજી તરફ નાસિરનગરનાં લોકોને પોતાને ત્યાં આશરો આપવા માટે કોઈપણ વ્યક્તિઓ તૈયાર ન હોય તેવો ઘાટ દેખાઈ રહ્યો છે. અગાઉ કતારગામ ગોતાલાવાડી ટેનામેન્ટ ખાતે વિરોધ થયા બાદ હવે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ સુમનમૈત્રી આવાસમાં પણ સ્થાનિક લોકો દ્વારા નાસિરનગર અસરગ્રસ્તોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ મુદ્દે તેઓએ આજે ૩૬૪ સહી સાથે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી મોટી સંખ્યામાં કચેરીની બહાર લોકોએ ભેગા થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
નાસિરનગરનું હાડકું પાલિકાનાં ગળામાં ભેરવાઈ ગયું છે ત્યારે હવે હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકા નાસિરનગર અસરગ્રસ્તોને આવાસ આપવા માટે મથામણ કરી રહી છે. પાલિકા દ્વારા જે પણ આવાસમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે છે ત્યાં સ્થાનિક લોકો દ્વારા નાસીર નગરના અસરગ્રસ્તો માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અગાઉ કતારગામ ગોતાલાવાડી ટેનામેન્ટ ખાતે નાસીરનગરના લોકોને આવાસ આપવા માટેની ચર્ચા હતી ત્યારે પણ સ્થાનિક લોકોએ ભારે મોરચો લાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જાેકે ત્યારબાદ ભેસ્તાનમાં તેઓને આવાસ આપવાની વાત હતી પરંતુ આ દરમિયાન જહાંગીરપુરા વિસ્તારમાં પણ આ મુદ્દે ચર્ચા ચાલતા આજે જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ સુમન મૈત્રી આવાસનાં લોકોએ મોટી સંખ્યામાં પાલિકાની મુખ્ય કચેરી ખાતે મોરચો લઈને આવ્યા હતા અને કુલ ૩૬૪ લોકોએ આવેદનપત્રમાં સહી કરી મ્યુનિસિપલ કમિશનરને આપી વિરોધ નોંધાવ્યો હતો. તેઓ દ્વારા માગ કરવામાં આવી છે કે પહેલેથી જ સુમન મૈત્રી અવાસમાં ઘણા લોકો દ્વારા રૂપિયા ૨૦,૦૦૦ ડિપોઝિટ ભરવામાં આવી છે અને તેઓના નામ હજુ પણ વેઇટિંગમાં બોલાય છે. જેથી તેઓને અહીં આવાસ ફાળવવામાં આવે. નાસિરનગરના માત્ર એક જ સમુદાયના એક સાથે મોટી સંખ્યામાં લોકો સુમન મૈત્રી આવાસમાં આવશે તો ત્યાંનું વાતાવરણ ડહોળાવાની શક્યતા સાથે તેઓએ વિરોધ કર્યો છે.