લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, ઓક્ટોબર 2026 |
1584
ગાંધીનગરના ખોરજ ગામની સીમમાં આવેલા સારંગ લેકવ્યુ ફ્લેટમાં ઘરમાં એકલાં રહેલાં ૬૪ વર્ષીય મીતાબેન ઉમેશભાઈ પટેલને નિશાન બનાવી બે બુકાનીધારી શખસોએ એક લાખ રૂપિયાની માગણી કરી હતી. જાેકે, વૃદ્ધા પાસે રોકડ રકમ ન હોવાનું જણાવતાં બંને શખસોએ તેમના પર ચપ્પાથી જીવલેણ હુમલો કર્યો હતો. વૃદ્ધાના હાથ, ગળા, પગ અને પેટના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકીને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા બાદ આરોપીઓ કોઈ માલસામાન લીધા વિના નાસી છૂટ્યા હતા. હાલ વૃદ્ધાની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
મીતાબેન ઘરમાં એકલાં હતાં. રાત્રે આશરે નવ વાગ્યે તેઓ જમીને ઘરમાં બેઠાં હતાં અને તે સમયે મુખ્ય દરવાજાે ખુલ્લો હતો. આ તકનો લાભ લઈને આશરે ૨૫થી ૩૦ વર્ષની ઉંમરના બે અજાણ્યા શખસો ઘરમાં ઘૂસી આવ્યા હતા બંને શખસોએ પોતાની ઓળખ છુપાવવા માટે મોઢા પર રૂમાલ બાંધ્યા હતા. એક શખસે સફેદ રંગનો, જ્યારે બીજાએ રંગીન રૂમાલ બાંધ્યો હતો. મધ્યમ બાંધાના અને ટી-શર્ટ તથા પેન્ટ પહેરેલા આ શખસોએ ઘરમાં પ્રવેશતાં જ મીતાબેનને ડરાવી-ધમકાવીને ગુજરાતી ભાષામાં એક લાખ રૂપિયાની માગણી કરી હતી. અચાનક બે અજાણ્યા શખસો ઘરમાં ઘૂસી આવતાં વૃદ્ધા માટે પરિસ્થિતિ ભયજનક બની ગઈ હતી.આરોપીઓએ રોકડ રકમ માગતાં મીતાબેને પોતાની પાસે પૈસા ન હોવાનું જણાવ્યું હતું. જાેકે, તેમણે પોતાના હાથમાં પહેરેલી સોના-ચાંદીની બંગડીઓ લઈ જવા માટેની તૈયારી દર્શાવી હતી. મીતાબેને પાણી પીવાના બહાને બેડરૂમ તરફ જવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, બંને શખસો તેમની પાછળ બેડરૂમમાં ઘૂસી આવ્યા હતા. પૈસા ન મળતાં ઉશ્કેરાયેલા આરોપીઓએ મીતાબેનને પકડીને જમીન પર પછાડી દીધાં હતાં અને જાનથી મારી નાખવાના ઇરાદે ચપ્પાથી હુમલો કર્યો હતો. બંને શખસોએ વારાફરતી ચપ્પાના ઘા ઝીંકતાં મીતાબેનના બંને હાથના કાંડા, ગળા, બંને પગની ઘૂંટીઓ અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.