હાડપિંજર જેવા ભાઠેના ઓવરબ્રિજ પર સળિયા બહાર આવ્યા પરંતુ રિપેરિંગના નામે મીંડું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, ઓગ્સ્ટ 2026  |   2277

સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનાં ખર્ચે રસ્તાઓ અને ઓવરબ્રિજ બનાવવામાં આવે છે પરંતુ ભ્રષ્ટ શાસકો અને પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓના કારણે ઈજારદારો દ્વારા કામમાં હંમેશા વેઠ ઉતારવામાં આવે છે. જેના કારણે રસ્તાઓ હોય કે ઓવરબ્રિજ માત્ર ગણતરીના સમયમાં જ મોટા ખાડા પડી જાય છે. હાડપિંજર જેવો બની ગયેલો ભાઠેના ઓવરબ્રિજ ભ્રષ્ટ શાસકો અને પાલિકાનાં ભ્રષ્ટ અધિકારીઓની બેદરકારી બોલતો પુરાવો સાબિત થાય છે. હાલમાં ઓવરબ્રિજની બંને તરફના રસ્તા પર ખાડા પડવા સાથે લોખંડનાં સળિયા બહાર નીકળી ગયા છે જેના કારણે ગંભીર અકસ્માત થવાના એંધાણ પણ દેખાઈ રહ્યા છે પરંતુ તંત્રને જાણે ગંભીર અકસ્માતની રાહ જોતું હોય તેમ આંખ પર પાટા બાંધી ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહી છે.

સુરત મહાનગર પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવે છે. જોકે આ બ્રિજ બની ગયા બાદ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કે ભાજપ શાસકો પૂરતું ધ્યાન આપતા નથી. દર વર્ષે સુરત શહેરમાં રસ્તાઓ બનાવવા પાછળ તથા કાર્પેટ અને રિકર્પેટ પાછળ પણ પાલિકા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ વરસાદનું એક ઝાપટું આવે એટલે ફરીથી પરિસ્થિતિ ત્યાંની ત્યાં આવીને ઊભી રહે છે. જે ભાજપ શાસકો અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ભ્રષ્ટાચારની પોલ ઉઘાડી પાડે છે. ગત વર્ષે પણ શહેરમાં અનેક રસ્તાઓનું ધોવાણ થયા બાદ માત્ર ઇજારદારો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે આ વર્ષે પણ શહેરમાં અનેક વિસ્તારોમાં રસ્તાઓનું ધોવાણ થયું છે અને મોટા ખાડા પડી ગયા છે તેમ છતાં પાલિકા તંત્ર આંખ આડા કાન કરી ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહી છે.

બ્રિજની તસવીરો ભાજપ શાસકો અને સુરત મહાનગરપાલિકાનાં અધિકારીઓનાં ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો છે. ૨૪ કલાક સતત વાહનોથી ધમધમતા ભાઠેના ઓવરબ્રિજ પર બંને તરફનાં રસ્તા પર મસ મોટા ખાડાઓ પડી ગયા છે એટલું જ નહીં પરંતુ લોખંડનાં સળિયા પણ બહાર આવી ગયા છે અને ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. તેમ છતાં પણ પાલિકા તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution