લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, ઓક્ટોબર 2026 |
1782
સુરતનાં એમ્બ્રોઇડરી કારખાનાઓમાં કામ કરતા પરપ્રાંતીય કારીગરોએ બે મહિના અગાઉ ૮ કલાકની શીફ્ટ અને રવિવારની રજા આપવા માટે કારખાનેદારો સામે ઝુંબેશ શરૂ કરી હતી. એમ્બ્રોઇડરી કારીગરોએ શરૂ કરેલી આ ચળવળનાં રેલા આજે વીવિંગ કારખાનાઓ તેમજ મિલો સુધી વિસ્તર્યા હોવાનાં અહેવાલો મળી રહ્યાં છે. સોશિયલ મીડિયામાં આજે વહેતા કરવામાં આવેલા વિડીયોમાં શહેરનાં વીવિંગ યુનિટોનાં કારીગરો તેમજ પાંડેસરાની મિલમાં કામ કરતા કારીગરોએ પણ રવિવારે ફરજિયાત રજા પાડીને પોતાનો હક મેળવી લીધો હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા.
શહેરનાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગની વેલ્યુ ચેઇનમાં પ્રોડક્શન યુનિટોમાં બરાબર દિવાળીની ઘરાકીનાં સમયે જ પરપ્રાંતીય કામદારોએ પોતાના હકો માટે મોરચા માંડવાનું શરૂ કર્યું છે. એમ્બ્રોઇડરી કારખાનામાં કામ કરતા કારીગરોએ જે મુદ્દા પર લડત શરૂ કરી છે એ જ મુદ્દા પર આજે સાયણ ઇન્ડસ્ટ્રીઅલ એરિયામાં આવેલી યુરો ઇન્ડસ્ટ્રીઅલ સોસાયટીમાં આવેલા વોટરજેટ વીવિંગ કારખાનાઓમાં કામ કરતા કારીગરોએ લેબર કાયદાનું પાલન કરાવવાની માગ સાથે રવિવારે ફરજિયાત રજા આપવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા અને કારીગરોએ આજે ફરજિયાત રજા લઇ લેતા કામકાજ બંધ કરી દીધું હતું. આજે રવિવારે સવારની પાળીમાં કામદારો કામ પર ચઢ્યા ન હતા જેને લઇને કારખાનેદારે ફરજિયાત બંધ રાખવાની નોબત આવી હતી.
આ છમકલાંનાં સમાચાર સોશિયલ મીડિયામાં પ્રસર્યા ત્યાં બીજા છમકલાંની ખબર પાંડેસરા જીઆઇડીસીમાંથી આવી હતી. પાંડેસરા જીઆઇડીસીમાં જાણિતી મિલના કારીગરે સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરીને દર્શાવ્યું હતું કે મિલોમાં કામ કરતા કામદારોએ પણ રવિવારે સ્વયં પોતાના હકની રજા મેળવી લીધી છે. મિલમાં આજે રવિવારે સવારની પાળીમાં કામ કરતા કામદારો કામકાજથી અળગાં રહ્યાં હોવાનું પોસ્ટ કરનાર કારીગરે જણાવ્યું હતું. આમ, સોશિયલ મીડિયાથી શરૂ થયેલી એમ્બ્રોઇડરી કારખાનાનાં કારીગરોની લડત હવે શેરીઓમાં આવી ચૂકી છે અને એ કરતા પણ વીવિંગ કારખાનાઓ અને મિલોનાં કામદારો પણ હવે એમ્બ્રોઇડરીનાં કારીગરોએ કરેલી માગણીઓ દોહરાવી રહ્યાં છે. આગામી દિવસોમાં આ લડતની આગ સુરતનાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગપતિઓને પણ દઝાડે તો નવાઇ નહીં.