લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, સપ્ટેમ્બર 2024 |
સોનાર્ક |
34155
શું તમે જાણો છો કે વિશ્વની પ્રથમ મોટિવેશનલ સ્પિચ દ્વાપર યુગમાં કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવી હતી. તે સમયે અર્જુન પાસે આવડત અને યુધ્ધ કરવા માટેનું કારણ બંને હતું, પરંતુ તેમ છતાં તે આ કાર્ય માટે પોતાને તૈયાર કરી શક્યો નહતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ ભગવદ ગીતાનું જ્ઞાન આપીને તેનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શન આપ્યું. હિંદુ માન્યતાઓ અનુસાર, જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન શ્રીમદ ભગવદ્ ગીતામાં આપવામાં આવ્યું છે, પછી તે મનની કોઈ દ્વિધા હોય, કોઈ ર્નિણય લેવામાં મુશ્કેલી હોય કે પછી બિઝનેસ મેનેજમેન્ટ હોય. આ પૌરાણિક ગ્રંથ ભલે સેંકડો વર્ષ જૂનો છે, પરંતુ આજે પણ તેમાંથી જીવનમાં સફળ થવાનું અચૂક જ્ઞાન લેવામાં આવી રહ્યું છે.
જ્યારે પણ કોઈ વ્યક્તિ નવો ધંધો શરૂ કરે છે ત્યારે પહેલા જ દિવસથી તેનું ધ્યાન ધંધાના પરિણામો પર રહે છે એટલે કે ધંધામાં નફો કે સફળતા. પરંતુ શ્રીમદ ભગવદ ગીતાના બીજા અધ્યાયના ૪૭મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આપણે ક્યારેય પરિણામની ચિંતા ન કરવી જાેઈએ, તેના બદલે આપણે પરિણામ સુધી પહોંચવાની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ અને તેના માટે આપણું કાર્ય કરતા રહેવું જાેઈએ. ઘણા સફળ ઉદ્યોગપતિઓ પણ કહે છે કે આપણે આપણા વ્યવસાયને સફળ બનાવવા માટે યોગ્ય આયોજન સાથે સખત મહેનત કરવી જાેઈએ. સફળતા આપોઆપ મળશે.
જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો વ્યવસાય શરૂ કરે છે, ત્યારે તે વ્યવસાયની વૃદ્ધિ માટે એક યોજના તૈયાર કરે છે. પરંતુ બજાર અને અન્ય સંજાેગોને ધ્યાનમાં રાખીને સમયાંતરે આ યોજનાને અપડેટ કરવી જરૂરી છે. ગીતામાં કહેવાયું છે કે આત્મા વિકાસ કરવા માટે જીર્ણ થયેલું શરીર ત્યજી દે છે અને નવું શરીર ધારણ કરે છે. તે દર્શાવે છે કે આપણે હંમેશા સાવચેત રહેવું જાેઈએ અને આપણા વ્યવસાયને સુધારવા માટે હંમેશા નવી તકો શોધવી જાેઈએ.
શ્રીમદ ભગવદ ગીતા અનુસાર ક્રોધનું પરિણામ બુદ્ધિનો વિનાશ છે. જ્યારે વ્યક્તિ ગુસ્સે થાય છે, ત્યારે તે તેની વિચારવાની અને સમજવાની શક્તિ ગુમાવે છે. ઉદ્યોગપતિએ દરેક પગલા પર ઘણા મહત્વપૂર્ણ ર્નિણયો લેવા પડે છે, આવી સ્થિતિમાં વેપારીએ દરેક પગલા પર સતર્ક અને સમજદાર રહેવું પડે છે. જાે તે ગુસ્સે થાય છે અને તેની સમજશક્તિ ગુમાવે છે, તો તેને અને તેના વ્યવસાયને નુકસાન થઈ શકે છે.
શ્રીમદ ભગવદ ગીતાના ત્રીજા અધ્યાયનો ૧૯મો શ્લોક આસક્તિ વિશે જણાવે છે. દરેક વ્યક્તિએ તેમના જીવનમાં ક્યારેય કોઈ વ્યક્તિ અથવા વસ્તુ સાથે વધુ પડતું જાેડાણ ન કરવું જાેઈએ. કોઈપણ વ્યવસાય ચોક્કસ વિચાર સાથે શરૂ થાય છે. જાે તે વિચાર કામ કરતો નથી અથવા બદલવાની જરૂર છે, છતાં પણ જાે આપણે તે વિચાર સાથે જાેડાયેલા રહીશું, અને આપણે તેને બદલી શકીશું નહીં તો નુકસાન થઈ શકે છે.
ગીતા આપણને આપણી ઇચ્છાઓને કાબૂમાં રાખવાનું શીખવે છે. તેમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેમ ધુમાડો અગ્નિને ઢાંકી દે છે અને ધૂળ અરીસાને ઢાંકી દે છે, તેવી જ રીતે ઘણી ઇચ્છાઓ આપણા અંતઃકરણને ઢાંકી દે છે. જ્યારે માણસ ઈચ્છાઓના જાળમાં ફસાઈ જાય છે ત્યારે તે પોતાના જ્ઞાનનો યોગ્ય ઉપયોગ કરી શકતો નથી. વેપારી માટે તમામ ર્નિણયો લેવામાં વિવેકપૂર્ણ રહેવું મહત્વપૂર્ણ છે.
શ્રીમદ ભગવદ ગીતા એક એવો ગ્રંથ છે કે જે સ્વરૂપે આપણે તેને સમજવા માંગીએ છીએ તે સ્વરૂપમાં આપણને તેનું પરિણામ મળે છે. જાે આપણે વ્યવસાય કે સ્ટાર્ટઅપને ધ્યાનમાં રાખીને શ્રીમદ ભાગવત ગીતાને સમજીને અમલમાં મૂકીએ તો આપણે આપણા વ્યવસાયમાં સફળતા મેળવી શકીએ છીએ.
હિંદુઓમાં ભગવદ ગીતાને સર્વોચ્ચ માનવામાં આવે છે, તેમાં તમને દરેક સમસ્યાનું સમાધાન મળશે. કોઈ પણ સ્થિતિમાં જાે તમે ભાગવત ગીતાનો અભ્યાસ કરશો તો તમને તમારી બધી સમસ્યાઓનું સમાધાન મળી જશે. આ સાથે તમે ગીતા પાસેથી બિઝનેસને સફળ બનાવવાનો મંત્ર પણ મેળવી શકો છો.
જાે તમે તમારા વ્યવસાયમાં સફળ થવા માંગો છો, તો શ્રીમદ ભગવદ ગીતામાં લખેલી બાબતોને ચોક્કસપણે અનુસરો, જેથી તમે તમારા ગંતવ્ય સુધી પહોંચી શકો.
ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે 'સંશયાત્મા વિનશ્યતિ'. મોટા અને મહાન કાર્યો માટે સમય અને પ્રયત્નની જરૂર હોય છે. આમાં શંકા કરનારાઓને સફળતા મળતી નથી. આ માટે દ્રઢ વિશ્વાસ અને નિશ્ચય ધરાવતા લોકો જ સફળ થઈ શકે છે. તેથી મનને શંકાનું ઘર ન બનવા દેવુ જાેઈએ.