લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, જુલાઈ 2026 |
1089
ગુજરાત સરકારે રાજ્યના સચિવાલયમાં સેક્શન ઓફિસર ની ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફાર કરતાં ભરતીના નિયમોમાં સુધારો જાહેર કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગુજરાત સરકારના અસાધારણ ગેઝેટમાં પ્રસિદ્ધ કરાયેલા ગુજરાત સચિવાલય સેવા ભરતી નિયમો ૨૦૨૬ હેઠળ ભરતીના ગુણોત્તરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવા નિયમો ૨૩ જુલાઈ ૨૦૨૬થી અમલમાં આવ્યા છે.રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આ સુધારા મુજબ સેક્શન ઓફિસરની ભરતીમાં અત્યાર સુધી અમલમાં રહેલો ૨:૧:૧નો ગુણોત્તર હવે બદલીને ૧૨:૫:૩ કરવામાં આવ્યો છે. આ ફેરફારથી પ્રમોશન અને સીધી ભરતીના વિવિધ સ્ત્રોતો વચ્ચેની વહેંચણીમાં નોંધપાત્ર બદલાવ આવશે.
આવનારી તમામ ભરતી પ્રક્રિયાઓ હવે નવા ગુણોત્તરના આધારે હાથ ધરવામાં આવશે.ગુજરાત સરકારે આ સુધારો ભારતના બંધારણની કલમ-૩૦૯ હેઠળ રાજ્યપાલને પ્રાપ્ત સત્તાનો ઉપયોગ કરીને કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગે બહાર પાડેલી સૂચના અનુસાર વર્ષ-૨૦૨૧ના ભરતી નિયમોની કલમ-૩માં જરૂરી સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારાને ગુજરાત સચિવાલય સેવા ભરતી નિયમો ૨૦૨૬ તરીકે ઓળખ આપવામાં આવી છે.
વહીવટી તંત્રમાં સેક્શન ઓફિસરની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વિવિધ વિભાગોમાં નીતિગત ફાઈલોનું સંચાલન, શાખાકીય કામગીરીનું સંકલન અને વહીવટી ર્નિણયોની અમલવારીમાં સેક્શન ઓફિસરોની મુખ્ય જવાબદારી હોય છે.
તેથી ભરતીના ગુણોત્તરમાં થયેલો આ ફેરફાર સચિવાલયની માનવસંસાધન વ્યવસ્થા માટે મહત્વનો ર્નિણય માનવામાં આવી રહ્યો છે.વહીવટી વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે નવા ગુણોત્તરથી ભરતી પ્રક્રિયામાં સંતુલન લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જાેકે આ સુધારાની વાસ્તવિક અસર આગામી ભરતી પ્રક્રિયા દરમિયાન સ્પષ્ટ થશે.