કલમસરમાં ટોળા દ્વારા પોલીસ ઉપર પથ્થરમારો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, ઓગ્સ્ટ 2026  |   1782

ખંભાતના કલમસરમાં શ્રમિકના મોત બાદ સ્થાનિકોએ ભારે હોબાળો કર્યો છે. ગ્રામજનોએ ન્યાય અને વળતરની માંગણી સાથે કંપનીનો ઘેરાવો કરતા જ મામલો બીચક્યો હતો અને ભારે પથ્થરમારો થતાં પોલીસે લાઠીચાર્જ અને ત્યારબાદ ટોળાને વિખેરવા માટે ટીયરગેસના ૮ સેલ છોડ્યા હતા. જેને લઈને નાશભાગ મચી હતી.

પથ્થરમારમાં બે પોલીસ કર્મીઓ સહિત કેટલાકને ઈજા પહોંચી છે. જ્યારે લાઠીચાર્જમાં બે યુવકો ઘવાયા છે. પોલીસે ટોળાંમાંથી ૩ લોકોની અટકાયત કરી છે. પ્રાપ્ત વિગત અનુસાર કલમસરની રોહન ડાયઝ એન્ડ ઇન્ટરમીડીયેટ કંપનીમાં યુનિટ-૧માં કામ કરતા રણજીતસિંહ નટુભાઈ સિંઘા પર લોખંડનો થાંભલો (વ્હીસલ) તુટીને પડતા તેને ઈજા પહોંચી હતી. તેમજ અન્ય એક શ્રમિકને પણ ઈજા પહોંચી હતી.

બંનેને તુરંત જ સારવાર માટે ખંભાતની જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં રણજીતસિંહની હાલત ગંભીર હોવાથી તેને કરમસદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં રણજીતસિંહનું મોડી સાંજે અવસાન થયું હતું. રણજીતસિંહ નટુભાઈ સિંઘા ૧૫ દિવસ પહેલાં જ કંપનીમાં લેબર તરીકે જાેડાયા હતા. કલમસર ગામે પત્ની અને બે સંતાનો સાથે રહેતા હતા.

મૃતક રણજીતસિંહના મોતથી એકાએક ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી પથ્થરમારો કર્યો શ્રમિકના મોત બાદ ગ્રામજનો એકત્ર થઈને રોહન ડાયઝ એન્ડ ઇન્ટરમીડીયેટ કંપનીમાં ન્યાય અને વળતરની માંગણી માટે જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં પોલીસે તેમને અટકાવ્યા હતા અને કંપનીને જતા રોક્યા હતા, જેને લઈને પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન એકાએક ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ભારે પથ્થરમારો ચાલુ કરી દીધો હતો. જેને લઈને નાશભાગ મચી હતી.

પોલીસે ટોળાને વિખેરા માટે પ્રથમ લાઠીચાર્જ કર્યો હતો. તેમ છતાં પણ સ્થિતિ કાબુમાં ના આવતા ટીયરગેસના સેલ છોડ્યા હતા. પથ્થરમારામાં બે જેટલા પોલીસ કર્મીઓને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. જ્યારે લાઠીચાર્જમાં બે યુવકોને ઈજાઓ થઈ હતી. પથ્થરમારામાં વાહનોના કાચ પણ તૂટ્યા હતા. સ્થિતિ બેકાબુ બનતા જ ખંભાતની આસપાસના પોલીસ મથકોએ તેમજ એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સહિતની ટીમોને ખંભાત ખાતે બોલાવી લેવામાં આવી હતી.

ડીએસપી જી.જી. જસાણી પણ મોડીરાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ખંભાત રૂરલ પોલીસે સવારે કંપનીમાં સર્જાયેલી દુર્ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. જાે કે, સાંજના સુમારે પથ્થરમારો અને તોડફોડની બનેલી ઘટનાને લઈને ફરિયાદ દાખલ કરવાની પણ તજવીજ હાથ ધરાઈ હતી.

યુવકના આકસ્મિક મોતને લઈને એક તરફ પરિવારજનો શોકમાં ગરકાવ છે ત્યારે ગ્રામજનોમાં આ ઘટનાને લઈને ભારે રોષ હોય, રાત્રીના સુમારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર કલમસર ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા જી. જી. જસાણીના જણાવ્યા અનુસાર કંપનીમાં સર્જાયેલી દુર્ઘટનામાં શ્રમિકના મોત બાદ કંપનીની બહાર વળતર માટે એકત્ર થયેલા ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. કેટલાક શખ્સોએ ભારે પથ્થરમારો શરૂ કરી દેતા સ્થિતિ બેકાબુ બની હતી. જેને લઈને પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા. ગામમાં તેમજ કંપની ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈને નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે. આ ઘટનામાં પોલીસે પથ્થરમારો કરનાર ૩ જેટલા યુવકની અટકાયત કરી છે, ઉત્પાત મચાવનાર અન્ય યુવકોની પણ અટકાયત કરવામાં આવી શકે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution