લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, સપ્ટેમ્બર 2026 |
2277
ગાંધીનગર જિલ્લાના માણસા શહેરમાં ગેરકાયદેસર અને જાેખમી રીતે થતા ગેસ રિફિલિંગના નેટવર્ક પર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે. જેમાં ગાંધીનગર જિલ્લા પુરવઠા વિભાગની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે માણસામાં આવેલી ‘શિવશક્તિ મોટર્સ’ નામની દુકાનમાં આકસ્મિક તપાસણી હાથ ધરી ગેસ સિલિન્ડરનો મોટો જથ્થો જપ્ત કરાયો છે. આ પ્રાપ્ત થતી મળતી માહિતી મુજબ, ગાંધીનગર જિલ્લાના માણસામાં રસિકલાલ પાર્કની સામે આવેલા ૪૬, ભાગ્યોદય કોમ્પ્લેક્ષ સ્થિત ‘શિવશક્તિ મોટર્સ’ નામની દુકાનમાં કેટલાક ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાંથી ઘરગથ્થુ સિલિન્ડરમાં ગેસ રિફિલ કરવાની ગેરકાયદે અને અનઅધિકૃત પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હતી. આ પ્રવૃત્તિ જાહેર જનતાની સુરક્ષા માટે અત્યંત જાેખમી હોય પુરવઠા તંત્રની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર દરોડો પડાયો હતો. આ દરોડા દરમિયાન પુરવઠા તંત્રની ટીમને સ્થળ પરથી કુલ ૧૨ નંગ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. જે અંગે માણસા મામલતદાર દ્વારા કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી તમામ ૧૨ સિલિન્ડરને સીઝ કરવાનો હુકમ કરી પંચનામું કરાયું હતું. પુરવઠા તંત્ર દ્વારા આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઇસમો વિરુદ્ધ નિયમાનુસારની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.