લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, ઓગ્સ્ટ 2026 |
2475
‘તહેલકા’ મેગેઝિનના પૂર્વ એડિટર તરુણ તેજપાલને ૨૦૧૩ના ચકચારી જાતીય શોષણ અને દુષ્કર્મના કેસમાં બોમ્બે હાઈ કોર્ટની ગોવા બેન્ચે દોષિત ઠેરવતા ૧૦ વર્ષની સજા ફટકારી છે. આ કેસમાં અગાઉ ૨૦૨૧માં ટ્રાયલ કોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા, જે ચુકાદાને હાઈકોર્ટે પલટી નાંખ્યો છે. આ મામલો વર્ષ ૨૦૧૩નો છે. ૭ અને ૮ નવેમ્બર, ૨૦૧૩ના રોજ ગોવા સ્થિત એક હોટેલમાં યોજાયેલા ‘થિંકફેસ્ટ’ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકાર તરુણ તેજપાલ પર તેમની જ જુનિયર મહિલા સહયોગીએ હોટેલની લિફ્ટમાં જાતીય સતામણી કરવાનો ગંભીર આરોપ હતો.
આ કેસની સુનાવણી વર્ષ ૨૦૧૭માં માપુસાની ટ્રાયલ કોર્ટમાં શરૂ થઈ હતી. લાંબી કાયદાકીય લડાઈ બાદ વર્ષ ૨૦૨૧માં ટ્રાયલ કોર્ટે તરુણ તેજપાલને આ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરીને બરી કરી દીધા હતા. જાે કે, આ ચુકાદા સામે રાજ્ય સરકાર દ્વારા બોમ્બે હાઈ કોર્ટની ગોવા બેન્ચમાં અપીલ દાખલ કરાઈ હતી. આ સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલત સમક્ષ દોષિતને સખતમાં સખત સજા આપવાની માંગણી કરી હતી. તેમણે કોર્ટમાં દલીલ કરતા જણાવ્યું હતું કે ‘પીડિતા, જે તેજપાલની પુત્રીની ઉંમરની હતી, તેણે વારંવાર ના પાડવા છતાં આ ગુનો આચરાયો હતો. કોર્ટે સ્પષ્ટ સંદેશ આપવો જાેઈએ કે જ્યારે કોઈ છોકરી ‘ના‘ કહે છે, ત્યારે તેનો મતલબ ફક્ત ‘ના‘ જ થાય છે.’
દોષિત જાહેર થયા બાદ તરુણ તેજપાલનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે પોતાને પીડિત ગણાવતા કહ્યું હતું, ‘હું ૬૨ વર્ષનો છું અને મારું માનવું છે કે હું પીડિત છું. મારી પત્ની છે અને આ સિવાય કહેવા માટે વધુ કંઈ નથી. હું ફક્ત એટલું કહી શકું છું કે અમે ઉચ્ચ કોર્ટમાં અપીલ કરી શકીશું. કૃપા કરીને મારા પ્રત્યે નરમી રાખો.’ અગાઉ તેમણે આ ઘટના અંગે ખેદ વ્યક્ત કરતા તેને સ્થિતિની ગેરસમજ ગણાવી હતી, જ્યારે બાદમાં રાજકીય બદલાની ભાવનાનો શિકાર બન્યા હોવાના આક્ષેપો પણ કર્યા હતા.