નવી દિલ્હી 

ઇરફાન પઠાણે ભલે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લઈ લીધી હોય પણ ટી20 ક્રિકેટમાં તેનો ધમાકો જારી જ છે. હાલમાં તે શ્રીલંકામાં લંકા પ્રીમિયર લીગમાં રમી રહ્યો છે. તે કેન્ડી ટસ્કર્સ માટે રમી રહ્યો છે. તેણે જાફના સ્ટેલિયન્સ સામેની મેચમાં 19 બોલમાં ચાર ચોગ્ગા સાથે 25 રન ફટકાર્યા હતા. આ સાથે તેણે ટી20 ક્રિકેટમાં 2000 રન પૂરા કર્યા હતા.

આમ ઇરફાન પઠાણ એવો ઓલરાઉન્ડર બની ગયો છે જેણે 2000થી વધારે રન અને 150 કે તેથી વધુ વિકેટ લીધી હોય. આ અગાઉ ભારતમાંથી માત્ર રવીન્દ્ર જાડેજાએ જ આ સિદ્ધિ હાંસલ કરેલી હતી. જાડેજાએ આવી બેવડી સિદ્ધિ 227 ટી20 મેચ રમીને હાંસલ કરી હતી તો ઇરફાન આ માટે માત્ર 180 મેચ રમ્યો છે.

આ સાથે ટી20 ક્રિકેટમાં સૌથી ઓછી મેચમાં 2000 રન અને 150 વિકેટ લેવાની સિદ્ધિ પણ ઇરફાન પઠાણના નામે થઈ ગઈ છે. ઇરફાને ગયા વર્ષે જ તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી પરંતુ તેણે ટી20માં રમવાનું જારી રાખ્યું હતું. 2019માં તે રોડ સેફ્ટી ટુર્નામેન્ટમાં રમ્યો હતો.