શહેર પોલીસ કમિશનર જાતે રોડ પર ઉતર્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ઓગ્સ્ટ 2026  |   1089

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી છે અને ગેરકાયદે પ્રવૃત્તિઓ બેફામ ચાલી રહી છે. કેટલાક પોલીસ સ્ટેશનના પીઆઇ પોતાના વિસ્તારમાં ચાલતા અડ્ડાઓ અને ગુનાખોરી સામે તદ્દન બેદરકાર બની બેઠા હોવાનો ઘાટ ઘડાયો છે. સ્થાનિક ઇન્સ્પેક્ટરો સામે કડક અમલવારીના આદેશ આપી પગલાં લેવાને બદલે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોતે મોડી રાત્રે રોડ પર ઉતરીને ‘નાઇટ ડોમિનેશન ડ્રાઇવ’ અને કોમ્બિંગ હાથ ધરવું પડ્યું હતું. આ ઘટનાથી પોલીસ બેડામાં અને નાગરિકોમાં આશ્ચર્ય ફેલાયું છે.

શહેરમાં ચર્ચા ચાલી રહી છે કે શું પીઆઇ અધિકારીઓ કમિશનરની વાત માનતા નથી કે પછી તેમને ભાન કરાવવા કમિશનરે જાતે મેદાનમાં ઉતરવું પડ્યું છે? મોડી રાત્રે ૧૨થી ૨ વાગ્યા દરમિયાન શહેરના વ્યસ્ત ૧૫૦થી વધુ પોઇન્ટ પર વાહન ચેકિંગ કરાયું હતું. દરેક પોલીસ સ્ટેશનમાંથી ૨૫ કર્મચારીઓ અને ૫ વાહનોના કાફલા સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. અગાઉ ૧૧૨ નંબર પર આવેલી ફરિયાદોને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બહેરામપુરા, સરખેજ અને દાણીલીમડા જેવા વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું.કમિશનર સહિતનો આટલો મોટો કાફલો મેદાનમાં ઉતર્યો હોવા છતાં ચેકિંગ દરમિયાન માત્ર પ્રાથમિક કક્ષાની સફળતા મળી હતી,જેમાં સિંધુભવન રોડ ઉપર અશ્વવિલા ચાર રસ્તા નજીક કમિશનરની હાજરીમાં કરાયેલા ચેકિંગમાં ૩ યુવકો ૪ બિયરના ટીન સાથે ઝડપાયા હતા.જ્યારે જમાલપુર ચાર રસ્તા પાસે એક હ્યુન્ડાઇ ૈ૧૦ કારમાંથી અંદાજે ૩૫૦ કફ સિરપની બોટલો મળી આવી હતી.શહેરમાં ચોતરફ ફેલાયેલા દારૂ અને જુગારના મોટા અડ્ડાઓ સામે કાર્યવાહી કરવાના બદલે માત્ર એકલદોકલ દારૂ-બિયર કે કફ સિરપના કેસ થતાં પોલીસની આ ડ્રાઇવની અસરકારકતા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution