લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, ઓક્ટોબર 2026 |
4059
આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામના સરપંચ દિલીપ ઉર્ફે દિપો ભઈલાલ સોલંકીને તેમના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ અંગેનો હુકમ કરવામાં આવતાં ગામના વહીવટની જવાબદારી ડેપ્યુટી સરપંચ વસુમતીબેન મહેન્દ્રભારથી ગૌસ્વામીને સોંપવામાં આવી છે. દુષ્કર્મની ફરિયાદ અને ત્યારબાદ જેલમાં રહેલા સરપંચ સામે થયેલી આ વહીવટી કાર્યવાહીથી સ્થાનિક સ્તરે ચર્ચા જાગી છે. પ્રાપ્ત વિગત અનુસાર નવાખલ ગામના સરપંચ દિલીપ ઉર્ફે દિપો ભઈલાલ સોલંકી વિરુદ્ધ એક મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આરોપીએ મહિલાને તેના પતિ અંગે વાત કરવાનું કહી ખેતરમાં બોલાવી હતી અને ત્યાં તેનું જાતીય શોષણ કર્યું હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ હોટલમાં બોલાવી મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની પણ ફરિયાદમાં વિગતો દર્શાવવામાં આવી હતી. ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરાયો હતો કે, આરોપીએ મહિલા સાથેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. આ ધમકીઓના કારણે મહિલા દબાણમાં આવી ગઈ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બનાવના અનુસંધાને મહિલાએ પોતાના પરિવારજનોને સમગ્ર હકીકત જણાવી હતી, જેના પગલે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. આ સમગ્ર મામલે આંકલાવ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, સરપંચ હાલ જેલમાં છે અને તેની જામીન અરજી પણ કોર્ટે નામંજૂર કરી હતી. આ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેને સરપંચના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. સરપંચને સસ્પેન્ડ કરવાના ર્નિણય બાદ નવાખલ ગ્રામ પંચાયતના વહીવટની જવાબદારી ડેપ્યુટી સરપંચ વસુમતીબેન મહેન્દ્રભારથી ગૌસ્વામીને સોંપવામાં આવી છે. હવે ગ્રામ પંચાયતની કામગીરી તેમના ચાર્જ હેઠળ આગળ વધશે. દુષ્કર્મની ફરિયાદ, પોલીસ કાર્યવાહી, જામીન અરજી નામંજૂર થવી અને ત્યારબાદ સરપંચ પદેથી સસ્પેન્શન—આ ઘટનાક્રમને પગલે નવાખલ ગામમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.