એલિસબ્રિજની જાળી પર લટકેલા યુવકને ફાયર બ્રિગેડે દોરડાથી બાંધી સુરક્ષિત ઉગાર્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, ઓક્ટોબર 2026  |   1584

શહેરના એલિસબ્રિજ પર ૩ ઓક્ટોબરની મોડી રાત્રે એક યુવક જાળી પર ચઢીને સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મોડી રાત્રિના સમયે યુવકને બ્રિજની જાળી પર ચઢતો જાેઈને આસપાસના લોકો તુરંત એકઠા થઈ ગયા હતા. બ્રિજ પર ભેગા થયેલા નાગરિકોએ યુવકને આપઘાત કરતા રોકવાનો પ્રયાસ કર્યો હતો અને તેની સાથે જ તુરંત પોલીસ તથા ફાયર વિભાગને ઘટના અંગે જાણ કરી દીધી હતી.કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળતાં જ પોલીસ ટીમ એલિસબ્રિજ પર પહોંચી ગઈ હતી.

બીજી તરફ, ફાયર વિભાગની રિવર રેસ્ક્યૂ ટીમ બોટ સાથે નદીમાં તૈનાત થઈ ગઈ હતી. આ સમયે યુવક બ્રિજની જાળી પકડીને લટકી રહ્યો હતો અને તે લાંબા સમય સુધી જાળી પર લટકેલો રહ્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગના જવાનોએ નદીમાં બોટ હોલ્ટ પર રાખીને તેને શાંતિથી સમજાવવાનું શરૂ કર્યું હતું. ફાયર બ્રિગેડની ટીમે લગભગ દોઢ કલાક સુધી સતત સમજાવટ કરી હતી. જવાનોના આ સતત પ્રયાસો અને સમજાવટ બાદ યુવક આખરે શાંત થયો હતો. યુવક શાંત થતાં જ ફાયરની ટીમે તેને દોરડું બાંધીને રિવરફ્રન્ટ પર સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો. આ સમગ્ર બચાવ કામગીરી અને ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.યુવકને સુરક્ષિત નીચે ઉતાર્યા બાદ રિવરફ્રન્ટ પોલીસે તેનું નામ અને સરનામું પૂછીને આપઘાતનો પ્રયાસ કરવા પાછળના મૂળ કારણ અંગે પૂછપરછ હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે યુવકના પરિવારજનોને ઘટના અંગે જાણ કરી દીધી છે અને સમગ્ર મામલે જાણવા જાેગ નોંધ કરી આગળની વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution