લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, ઓગ્સ્ટ 2026 |
2277
દુધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે તેવી નીતિ સુરત મહાનગર પાલિકાએ નાસિરનગરનાં કિસ્સામાં અપનાવી છે. નાસિરનગરમાં બિલ્ડરનાં લાભાર્થે સ્પોન્સર્ડ ગેરકાયદે ડીમોલિશન કર્યા બાદ હાઇકોર્ટની ફટકારથી સ્તબ્ધ બનેલાં મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ હાલ નાસિરનગરમાં કોઇ જ ડીમોલિશન કરવાનો ઇરાદો નહીં હોવાની બાંયધરી હાઇકોર્ટને આપીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાય છે. નાસિરનગરમાં જેમનાં મકાનો ઓપરેશન ડીમોલિશનમાં બચી ગયા હતાં તે રહિશો તરફે હાઇકોર્ટમાં થયેલી પીટિશન સંદર્ભે સુરત મહાનગર પાલિકાએ હાઇકોર્ટને આજે બાંયધરી આપતાં હાઇકોર્ટે મહાનગર પાલિકાને જરૂરી સુચના આપીને કેસનો નિકાલ કર્યો હતો.
છેલ્લા ચાર દાયકા કરતાં પણ વધારે સમયથી નાસિરનગરમાં રહેતાં લોકોનાં ઘરો તોડી નાંખી ચોમાસા પહેલાં જ બેઘર કરવાની વિવાદાસ્પદ કાર્યવાહી મ્યુનિસિપલ કમિશનર અને તેમની ટીમે કરી હતી. રહિશોને નોટિસ આપવા કે અન્ય કોઇ કાયદાકીય કાર્યવાહી અનુસર્યા સિવાય અને કોઇ હુકમ વિના ગેરકાયદે ડીમોલિશન કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર એમ.નાગરાજને કોઇ અદ્રશ્ય વ્યક્તિનાં ઇશારે કાર્યપાલક ઇજનેર સુજલ પ્રજાપતિને સમગ્ર ઓપરેશનની જવાબદારી સોંપી હતી અને સુજલ પ્રજાપતિએ નાસિરનગરનાં સંખ્યાબંધ મકાનો તોડી પાડ્યાં હતાં. જે લોકોનાં મકાનો બચી ગયાં હતાં તેમને પણ પોતાના ઘર તૂટી જવાની આશંકા હતી જેથી શેખ હુસેન અઝીઝે ધારાશાસ્ત્રી ઝમીર શેખ મારફતે હાઇકોર્ટમાં પીટિશન કરી હતી. નાસિરનગરમાં જેમનાં મકાનો તૂટી ગયાં છે તેમની આસપાસમાં જ મકાનો હોવાથી મહાનગર પાલિકા દ્વારા બાકી બચેલાં મકાનો તોડી પાડવામાં આવે નહીં તે માટે હાઇકોર્ટમાં પીટિશન કરવામાં આવી હતી.
હાઇકોર્ટમાં આજે સુનાવણી વખતે સુરત મહાનગર પાલિકા તરફે એડવોકેટ અનુજ ત્રિવેદીએ હાઇકોર્ટને બાંયધરી આપતાં કહ્યું હતું કે, નાસિરનગરમાં હાલમાં કોઇ પણ પ્રકારની ડીમોલિશનની કાર્યવાહી કરવાનો મહાનગર પાલિકાનો ઇરાદો નથી અને જાે ભવિષ્યમાં તેવી કોઇ જરૂરિયાત ઉભી થશે તો કાયદેસરની કાનુની કાર્યવાહી કરીને જ આગળ વધશે એટલે કે પીટિશનરને જરૂરી નોટિસ આપવા સહિતની કાનુની કાર્યવાહી કરવામાં આવશે. મહાનગર પાલિકા તરફથી બાંયધરી મળી હોવાથી હવે આ કેસમાં કંઇ કરવાનું રહેતું નથી તેમ કહીને હાઇકોર્ટનાં જસ્ટિસ નિખિલ કેરિયલે સુરત મહાનગર પાલિકાને સ્પષ્ટપણે સુચના આપી હતી કે, ભવિષ્યમાં જાે ડીમોલિશન જેવાં પગલાં લેવાનો ઇરાદો થાય તો નોટિસ સહિતનાં કાનુની પગલાં લેવા અને ત્યારબાદ જ કાર્યવાહી કરવી. મનપાએ બાંયધરી આપવા છતાં હાઇકોર્ટે નોટિસ સહિતની કાનુની કાર્યવાહીનો આગ્રહ સેવ્યો હતો. પીટિશનરનાં એડવોકેટ ઝમીર શેખે જણાવ્યું હતું કે, નાસિરનગરમાં હાલ ડીમોલિશન કરવાનો કોઇ ઇરાદો નહીં હોવાની ખાતરી સુરત મહાનગર પાલિકાએ આપી છે અને આ તબક્કે એટલું પણ કહેવાનું કે, શેખ હુસેન અઝીઝ અને અન્ય લોકોનાં મકાનોનું ડીમોલિશન નથી થયું તે તમામ મકાનો મહાનગર પાલિકાની જમીન ઉપર નથી બંધાયા.