રાજકોટ-

ઓક્ટોબર થી રાજ્યમાં મગફળી ખરીદી શરૂ થનારી હતી પરંતુ વરસાદની આગાહીના પગલે એક સપ્તાહ મગફળી ખરીદી મોડી શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. જેના પગલે આજે રાજ્ય ભરમાં મગફળી ખરીદીની પ્રક્રિયા શરૂ થશે.

ગત સપ્તાહએ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો પરિણામે રાજ્યમાં ભેજવાળુ વાતાવરણ અને વરસાદી માહોલને લઇને મગફળીની ખરીદી મુલતવી રાખવાનો મહત્વનો નિર્ણય લીધો હતો.. રાજ્યમાં ભેજવાળા વાતાવરણને પરિણામે મગફળી ભેજવાળી હોય તેથી ખેડૂતોને મુજબ ગુણવત્તા ન મળતા મગફળી રિજેક્ટ થવાની શક્યતા રહે છે.. આવા સંજોગોમાં ખેડૂતોને ધક્કા ન થાય અને હેરાનગતિ ન થાય એ બાબત પર ધ્યાન આપવામાં આવ્યું હતું. રાજ્યભરમાં આજ થી અન્ન નાગરિક પુરવઠા નિગમ અને નાફેડના સંકલનમાં મગફળી ખરીદી પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. 

મગફળી ખરીદી માં રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે જેમાં 35 કિલો ના બારદાન ની બદલે અને 25 કિલોના બારદાન મગફળી ની ભરતી કરવામાં આવશે.જેનો ખર્ચો રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તેમજ નાફેડ દ્વારા કરવામાં આવશે. બારદાન માટે ની ખરીદી પ્રક્રિયા નાફેડ દ્વારા પૂરી કરી દેવામાં આવી છે.

આ સિવાય દરેક જિલ્લાકક્ષાએ પણ 30 કિ.મી. પેરીફેરીમા ગોડાઉન ઉભા કરવામાં આવ્યા છે. નાફેડ દ્વારા ગોડાઉનને લઈને પણ કેટલીક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જેમાં ગોડાઉન માં માલ સામાન ની જાળવણીને લઇ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં કમિટીઓની રચના કરવામાં આવી છે .જે મગફળી ખરીદી ની તમામ પ્રક્રિયા પર ધ્યાન રાખશે. આગામી 90 દિવસ સુધી ચાલનારી મગફળી ખરીદી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટેની કાળજી લેવામાં આવી છે. રાજ્યભરમાંથી 4.77લાખ ખેડૂતોએ પોતાની મગફળી વેચવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રાજ્યનો એક પણ ખેડૂત આ ટેકાના ભાવની ખરીદીથી વંચિત ન રહે તેઓ આશય રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યો છે.