લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, જુલાઈ 2026 |
1089
શહેરમાં પડેલા ધોધમાર વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના કારણે વેચાણવાળા વિસ્તારોની દુકાનોના વેપારીઓને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. ત્યારે સરકારે હવે વરસાદના વિરામ બાદ વેપારીઓને સહાય મળે તે પ્રકારની જાહેરાત કરી છે. ત્યારે સરકારની આ સહાયને લઈને વેપારીઓમાં ગણગણાટ શરૂ થયો છે. વેપારીઓનું માનવું છે કે વરસાદથી નુકસાન સામે સહાયની જાહેરાત તો થઈ પણ ખરેખર મળે તો સારું. ૨૫ વર્ષ પહેલાં પણ વરસાદમાં નુકસાનીના વળતરની જાહેરાત થઈ હતી જે હજુ સુધી નથી મળી, તેવી નારાજગી પણ ડ્રાઇવ ઇન રોડ પરના ઇન્દ્રપ્રસ્થ ટાવરના વેપારીઓએ વ્યક્ત કરી છે.
ગત ગુરુવારના રોજ અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી જેથી આખા શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને અનેક દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓએ લાખોનું નુકસાન સહન કરવું પડ્યું છે. વરસાદના કારણે વેપારીઓએ નુકસાનની વેદના વ્યક્ત કરી છે. ભારે વરસાદના કારણે ડ્રાઇવ ઇન રોડ પરના ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં અંદાજે ૫૦ જેટલી દુકાનોમાં ૪થી ૫ ફૂટ જેટલા પાણી ભરાયા હતા અને પાણી બહાર કાઢવા માટે વેપારીઓએ જાતે પમ્પ મૂકી પાણી બહાર કાઢ્યા હતા. વેપારીઓના મતે દરેક વેપારીઓને લાખોનું નુકસાન થયું છે. સહાયની જાહેરાત તો થઈ પણ નુકસાનીના સર્વેની સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી. ૨૫ વર્ષ પહેલાં પણ વરસાદમાં નુકસાનીના વળતરની જાહેરાત થઈ હતી જે હજુ સુધી નથી મળી. ૨૫ વર્ષ બાદ ફરી ભારે વરસાદના કારણે દુકાનો પાણીમાં જળમગ્ન થઈ ગઈ હતી. દુકાનમાં રાખવામાં આવેલો સામાન સ્થળે ખસેડવાનો પણ દુકાન માલિકોને સમય મળ્યો ન હતો. જેના કારણે ૨૦ કરતા વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. હવે ફરી સરકારે જાહેરાતની વાત કરી છે ત્યારે એ સહાય આજદિન સુધી મળી નથી.